જેતલપુર પાસે ડમ્પરે બાઇકને અડફેટે લેતા યુવકનું મોત નિપજ્યુ

જેતલપુર નાજ ગામ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા બાઇક ચાલકને બેફામ બનેલા ડમ્પરે ટક્કર મારી હતી. જેથી હવામાં ફંગોળાઈ જમીન પર પટકાતા ગંભીર ઇજાઓના કારણે બાઇકચાલકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. આ અંગે મૃતકના ભાઈએ કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
દસ્કોઈના પાલડી ખાતે રહેતા 28 વર્ષીય રવિરાજસિંહ ડોડીયા શુક્રવારે સવારે બાઇક લઈને કામઅર્થે જેતલપુર ગયા હતા. નાજગામ ચાર રસ્તાથી તેઓ પસાર થઈ રહ્યા હતા. ત્યારે પુરઝડપે આવી રહેલ ડમ્પરચાલકે બાઇકને ટક્કર મારી હતી. જેથી તેઓ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાતા રવિરાજસિંહને ગંભીર ઇજાઓ પહોચી હતી. બીજી બાજુ અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકો ભેગા થઈને રવિરાજસિંહને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર ડમ્પરચાલક સામે ગુનો નોધીને તેની શોધખોળ હાથ ધરી છે.

Social