રામોલમાં બનાવટી ટ્રેડિંગ કંપની ઉભી કરીને ગઠિયાએ વેપારી સાથે રૂ. 13.20 લાખની ઠગાઇ આચરી

સુરતના વેપારીએ ખોટી ટ્રેડીંગ ફર્મ ઉભી કરીને ઓઢવના વેપારી સાથે કુલ રૂ. 13.20 લાખની ઠગાઈ આચરી છે. જેમાં ઓઢવના વેપારીએ રૂ.૧૭.૨૦ લાખ ચૂકવ્યા બાદ પણ સુરતના વેપારીએ માલ નહી આપીને મોબાઈલ ફોન સ્વીચઓફ કરી દીધો હતો. આ અંગે વેપારીએ ગઠિયા સામે રામોલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે.
ઓઢવમાં રહેતા અમિત કુમાર પટેલ ભાગીદારીમાં ટ્રેડીંગ કંપની ધરાવી ધંધો કરે છે. તેમની કંપનીમાં પીવીસી રેઝીનનું ટ્રેડીંગની લે-વેચ કરવામાં આવે છે. ગતવર્ષે સુરતના એક વેપારીનો ફોન આવ્યો હતો અને ૧૨૦ ટન પીવીસીનો માલ સામાન તેમની પાસેથી ખરીદ્યો હતો. શરૂઆતમાં રૂ.૫ લાખ એડવાન્સ ચૂકવ્યા હતા બાદમાં માલ લોડીંગ થાય તે સમયે પૂરું પેમેન્ટ કરવાનું રહેશે તેવી શરતો નક્કી થઇ હતી. સપ્ટેમ્બર ૨૦૨૩માં કુલ રૂ.૧૨.૨૦ લાખ સુરતના વેપારીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપ્યા બાદ ગાડીમાં અડધો માલ લોડ કરવામાં આવ્યો હતો.જેથી અમિત કુમારે સુરતના વેપારી વિક્કીને કહ્યું કે શા માટે અડધો માલ લોડ કર્યો છે. ત્યારે સુરતના વેપારીએ બીજેથી માલ કરાવી આપીશ અત્યારે આટલું રાખો તેમ કહીને બહાના કરતો હતો.બાદમાં સુરતના વેપારીએ ટુકડે ટુકડે રૂ.4 લાખ પાછા આપ્યા હતા. ત્યારબાદ મોબાઈલ ફોન સ્વીચઓફ કરીને બાકી નીકળતાં રૂ.૧૩.૨૦ લાખ નહી ચૂકવીને છેતરપીંડી આચરી હતી. આ અંગે વેપારીએ સુરતના ગઠિયા સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

Social