ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, 6 જિલ્લામાં હિટવેવની આગાહી, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગરમીનો તાપમાન દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ગરમીનું તાપમાન 44 ડિગ્રીને પાર પહોચ્યું છે. ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તંત્રએ ગરમીમાં બિજરૂરી રીતે બહાર ન નીકળવાના સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને તાપમાન 44 ડિગ્રીથી પણ વધી શકે છે.6 જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 4 દિવસમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 4 દિવસ સુરેન્દ્નનગર, પોરબંદર, ભાવનગર, જુનાગઢ, કચ્છ, વલસાડમાં હિટવેવની સંભાવના છે. ઉનાળામાં દરિયાકાંઠાના વિસ્તારોનું તાપમાન સામાન્ય રહેતું હોય છે પરંતુ ચાલુ વર્ષે દરિયાકાંઠાનું તાપમાન 37 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો છે.અમદાવાદમા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જો કે ગઈ કાલે રાજ્યમાં સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર રહ્યું છે. સુરેન્દ્રનગરનુ મહત્તમ તાપમાન 45.5 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે ડીસાનુ મહત્તમ તાપમાન 45 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગર અને રાજકોટનુ મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી, ભુજનુ મહત્તમ તાપમાન 44.1 ડિગ્રી નોંધાયુ છે.
