દરિયાપુર મદરેસામાં આચાર્ય પર હુમલા મામલે ક્રાઈમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન
દરિયાપુરના મદરેસામાં સર્વે ગયેલા શિક્ષક પર ટોળાએ હુમલો કર્યો હતો. જે મામલે દરિયાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યારે શિક્ષક પર હુમલો કરનાર આરોપીઓ પૈકી બે આરોપીઓની દરિયાપુર પોલીસે ધરપકડ કરી. આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સાથે સ્થાનિક પોલીસે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું.
શિક્ષણ વિભાગના આદેશ બાદ શિક્ષકો દ્વારા અલગ અલગ મદરેસામાં સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં દરિયાપુરની સુલતાન સુલ્તાન મહોલ્લા સૈયદ સુલતાનાની મસ્જિદના મદરેસામાં બાપુનગરની સ્કૂલના આચાર્ય સંદીપ પટેલ સર્વે કરવા માટે ગયા હતા. સંદીપભાઈ મસ્જિદ બંધ હોવાથી કામગીરીનો ફોટો લઈ રહ્યા હતા, ત્યારે ટોળાએ આવીને તેમને ગડદા પાટુનો માર માર્યો હતો.ટોળામાંથી ફરહાન અને ફૈઝલ નામના આરોપીએ કહ્યું હતું કે, આનો મોબાઈલ ફોન અને ડોક્યુમેન્ટ લૂંટી લો. જે ટોળાએ લૂંટી લીધો હતો. સમગ્ર મામલે પોલીસે રાઇટિંગ લૂંટ સહિતની કલમોના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.દરિયાપુર પોલીસ દ્વારા ફરહાન અને ફૈઝલ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય પાંચ આરોપીઓ ફરાર છે. બનાવ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક પોલીસ સાથે દરિયાપુરના અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
