સાણંદ શહેર અને તેલાવ ગામેથી 2 ટાવરની 10 બેટરીની તસ્કરી
સાણંદ શહેર અને તેલાવ ગામે આવેલા ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાંથી કુલ 10 નંગ બેટરી (જેની રૂ.1 લાખની મત્તા)ની ચોરી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બંને બનાવ અંગે કંપનીના મેનેજર સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સુત્રોના જણાવ્યાં અનુસાર સાણંદ શહેરના હજારી માતાના મંદિર પાસે અને સાણંદ તાલુકાનાં તેલાવ ગામે ભરવાડવાસમાં ખાનગી કંપનીના મોબાઈલ ટાવર આવેલા છે. જુહાપુરામાં રહેતા મહંમદકલીમ શેખ ખાનગી કંપનીમાં એસ્ટેટ મેનેજર તરીકે નોકરી કરે છે. અને ટાવરમાં કોઈ ખામી સર્જાય કે કોઈ બનાવ બને ત્યારે તેઓની ઓફિસના કમ્પ્યુટરમાં જાણ થતી હોય છે.
ગત તા.14 મે મહંમદકલીમ શેખને કંપનીના સુપરવાઇઝર બલવીર શર્માએ જાણ કરી હતી કે તેલાવ ગામે ભરવાડ વાસમાં આવેલ ટાવર રાત્રે ત્રણ વાગ્યા આસપાસ ટાવર બંધ થયાની જાણ કરતાં એસ્ટેટ મેનેજર મહંમદકલીમ શેખ અને સુપરવાઇઝર બલવીર શર્માએ તપાસ કરતાં ટાવરની 5 બેટરીની ચોરી થઈ હતી, બીજી તરફ સાડા ત્રણ વાગે સાણંદ શહેરના હજારી માતાજીના મંદિર પાસે આવેલ ખાનગી ટાવરમાંથી 5 બેટરી મળી કુલ 10 નંગ બેટરી જેની કિંમત રૂ.1 લાખની બેટરીઓ ચોરાઈ હોવાનું માલૂમ પડ્યુ હતુ.
કોઈ અજાણ્યા ચોર ઈસમોએ અલગ અલગ 2 ટાવરમાંથી 10 બેટરીની ચોરી કરી ફરાર થતાં આ બંને બનાવ અંગે મેનેજર મહંમદકલીમ મહંમદનઝીર શેખે ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સાણંદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
