પીપળજ ગામ નજીક સાબરમતી નદીના પટમાંથી દેશી દારૃની ભઠ્ઠી ઝડપી લેવાઈ
ક્રાઈમ બ્રાંચમાંની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી તે સમયે બાતમી મળી હતી કે, પીપળજ ગામ નજીક આવેલ સાબરમતી નદીના પટમાં શૈલેષ ઉર્ફે કાલા ચુનારા દેશી દારૂની ભટ્ટી લગાવીને દેશી દારૂ ગાળી ગ્રાહકોને વેચાણ કરી રહ્યો છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવીને તે જગ્યાએ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન બે શખ્સો બાવળોની જાડીમાંથી ભાગી ગયા હતા. જ્યારે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.
જેથી તેની પૂછપરછ કરતા પોતાનું નામ વિક્રમ તળપદા (ઉ.વ.29, રહે.ખેડા) હોવાનું જણાવ્યુ હતુ. બીજી બાજુ પોલીસ તપાસ દરમિયાન દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો, 510 લીટર દેશી દારૂ તથા દારૂ બનાવવા માટે તૈયાર કરેલ 4320 લીટર વોશ મળી આવ્યુ હતુ. એટલુ જ નહીં દરોડા દરમિયાન એક રીક્ષા ચાલક તથા શૈલેષ ઉર્ફે કાલા ચુનારા નામનો વ્યક્તિ ભાગી ગયા હોવાનું પણ સામે આવ્યુ હતુ. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે દારૂના જથ્થા સહિત કુલ રૂ.1.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથધરી છે.
