વસ્ત્રાપુરમાં ગઠિયો રિક્ષા ચાલક સાથે મિત્રતા કેળવી રિક્ષા અને મોબાઈલ લઈ ફરાર થઈ ગયો
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચીટીંગનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પેસેન્જરે રિક્ષાચાલક સાથે મિત્રતા કરી બાદમાં તેની રિક્ષા લઇને ફરાર થઇ ગયો છે. પેસેન્જર છેલ્લા ઘણા સમયથી એક જ રિક્ષામાં અવરજવર કરતો હોવાથી તેણે ચાલક સાથે મિત્રતા કરી લીધી હતી. મિત્રતા કર્યા બાદ પેસેન્જરે રિક્ષાચાલકને ફોન કર્યો હતો અને ભાણીને લેવા જવાની વાત કરી હતી. જેથી, બંને મેમનગરથી ભાણીને લેવા માટે આવ્યા હતા. આ દરમિયાન રિક્ષાચાલકને ચક્કર આવતા તે સાઇડમાં બેસી ગયો હતો, જેનો ફાયદો પેસેન્જરે ઉઠાવ્યો હતો. પેસેન્જર રિક્ષાચાલકને ‘ભાણીને લઇને આવુ છું’ એમ કહીને રિક્ષા લઇને ફરાર થઇ ગયો હતો. તેની સાથે જ ચાલકનો મોબાઈલ ઝડપી લીધો હતો.
નાના ચિલોડા ખાતે આવેલા રાજેન્દ્રવાસમાં રહેતા ભવાનજી ઠાકોરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સુરેશ ઠાકોર નામના યુવક વિરૂદ્ધ ચીટીંગની ફરિયાદ કરી છે. ભવાનજી ઠાકોર રિક્ષા ચાલાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. ભવાનજી ઠાકોર પાસે જે રીક્ષા છે, તે તેના ભાણેજના નામે લીધી હતી.10 દિવસ પહેલા ભવાનજી ઠાકોરે ઝુંડાલ સર્કલથી એક પેસેન્જરને બેસાડ્યો હતો, જેને નાના ચિલોડા ખાતે જવાનું હતું. આ પેસેન્જર અવાનવાર ભવાનજીની રીક્ષામાં બેસતો હોવાથી તેઓ બંને એકબીજાને ઓળખવા લાગ્યા હતા. સુરેશ ઠાકોરે ભવાનજીને તેનો મોબાઇલ નંબર આપ્યો હતો, જેથી બંને એકબીજા સાથે ફોન પર વાત પણ કરવા લાગ્યા હતા. પેસેન્જર અને રિક્ષાચાલક સારા મિત્ર બની ગયા હતા. થોડા દિવસ પહેલા ભવાનજી ઘરે હાજર હતા ત્યારે સુરેશ ઠાકોરનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, મારી ભાણી મેમનગર ખાતે રહે છે તેને લઇને ભાગજ ગામ ખાતે મૂકવા જવાનું છે. તમે આવી જાઓ હું કરાઇ ચાર રસ્તા પાસે ઉભો છું. ભવાનજી તેની રિક્ષા લઇને સુરેશ ઠાકોર પાસે પહોચ્યા હતા.
બંને જણા મેમનગર ખાતે ભાણીને લેવા માટે નીકળી ગયા હતા. બપોરે અઢી વાગ્યાની આસપાસ વધુ પડતી ગરમી હોવાના કારણે ભવાનજી ઠાકોરને ચક્કર આવવા લાગ્યા હતા. ભવાજનીએ તેની રિક્ષા થલતેજ સોમેસ્વર પાર્ક સોસાયટીની સામે ઉભી કરી દીધી હતી. ભવાનજી ઠાકોર રીક્ષામાંથી ઉતરીને ઠંડકમાં બેસી ગયા હતા ત્યારે સુરેશ ઠાકોરે તેમને જણાવ્યુ હતું કે, તમે અહીયા બેસો હું મારી ભાણીને લઇને આવુ છું. ભવાનજીએ સુરેશ પર વિશ્વાસ કરીને પોતાની રિક્ષા આપી દીધી હતી. સુરેશ ભાણીને લેવાના બહાને રિક્ષા લઇને ગયો હતો ત્યારે ભવાનજી ઠંડક વાળી જગ્યા પર શાંતિથી બેસી ગયા હતા. 20 મિનિટ સુધી સુરેશ પરત નહી આવતા ભવાનજીએ તેની શોધખોળ શરૂ કરી હતી. રિક્ષામાં ભવાનજીનો મોબાઇલ પણ રહી ગયો હોવાથી તેમણે કોઇ રાહદારીનો મોબાઇલ લઇને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, સુરેશે તેનો ફોન બંધ કરી દીધો હતો. સુરેશ રીક્ષા લઇને ગયો પરંતુ, આજદીન સુધી પરત નહી આવતા અંતે ભવાનજીએ તેના ભાણેજને વાત કરી હતી. ભવાનજીએ ઓનલાઇન ફરિયાદ કર્યા બાદ વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી દીધી છે. સુરેશ ક્યા છે તેની કોઇને જાણ નથી ત્યારે પોલીસે તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
