નરોડા જીઈબીની ઓફિસમાં લોકોનો સ્માર્ટ મીટર મામલે હાલ્લાબોલ

અમદાવાદ મા નરોડાની પ્રથમ પ્રાયોરિટી સોસાયટી અને આસપાસની કેટલીક સોસાયટીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જે સ્માર્ટ મીટરમાં વધુ બિલ દર્શાવતા સ્થાનિકો નરોડ જીઈબીની ઓફિસ જઈને થાળી-ચમચી વગાડીને ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમજ લોકો મોટે મોટેથી ‘બંધ કરો બંધ કરો સ્માર્ટ મીટર બંધ કરો’ જેવા નારા પણ લગાવ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે, જો પહેલાથી જ આ પ્રોજેક્ટ નક્કી હતો તો લોકસભા ચૂંટણી પછી કેમ નાખવામાં આવ્યા છે. પહેલા વોટ લઇ લીધા અને બાદમાં સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા. ખરેખર હાલના સમયમાં સ્માર્ટ સ્કૂલ, સ્માર્ટ હોસ્પિટલની જરૂરિયાત છે અને તેની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવીને લોકોને પરેશાન કરી પૈસાની વસુલી કરવામાં આવી રહી છે જે યોગ્ય બાબત નથી.સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોની એકમાત્ર માંગ છે કે, તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર બંધ કરવામાં આવે કારણ કે, સ્માર્ટ મીટરમાં મહિનો પૂરો નથી થતો અને 3,000થી 4,000 સુધીનું બિલ બતાવવા લાગે છે. જે સાદા મીટરમાં 2 મહિનાનું વીજ બિલ 2 હજાર સુધી આવતું હતું. સ્માર્ટ મીટરનો વિરોધ કરવા માટે સ્થાનિકોએ થાળી-ચમચી વગાડીને નારા સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. સ્થાનિકોનો એવો પણ દાવો છે કે, સોસાયટીના લોકોને કોઈપણ જાતની જાણ કર્યા વિના અને વિશ્વાસમાં લીધા વિના જ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સુરત, વડોદરા, અમદાવાદમાં સ્માર્ટ મીટરને લઈને છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે સરકારે સૌ પહેલા ગુજરાતની તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવી ટેસ્ટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારી ઓફિસોમાં પ્રયોગ સફળ ગયા પછી જ નવા સ્માર્ટ મીટર ઘરોમાં લગાવવામાં આવશે. તો બીજી તરફ ઊર્જા વિભાગના એમડી જયપ્રકાશ શિવહરે જણાવ્યું હતું કે, લોકોનો વિશ્વાસ જીતી અને પછી પ્રોજેક્ટ આગળ વધારીશું. કોઈ જબરદસ્તી કરવામાં આવશે નહીં, સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લગાવીશું. જ્યાં મીટર લાગ્યાં છે ત્યાં લોકોને સમજાવાશે. પેન્ડિંગ બિલ ઈએમઆઈમાં લેવામાં આવતા હતા. જૂના અને નવા મીટરની રકમ બેલેન્સ કરવામાં આવશે. વપરાશ પ્રમાણે ટેરિફ પ્લાન છે એટલે ટેરિફ સમજી લોકો વિચારણા કરે. લોકોને સંતોષ થાય તે બાદ જ આગળ વધીશું. હાલ સરકારી કચેરીમાં શરૂઆત કરીશું.

Social