લાલ દરવાજા પાસે ભોયરૂ ભડકે બળતા ફાયરની 15 ટીમે આખી રાત કામ કર્યું : એક કર્મી બેભાન
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં ત્રણ દરવાજા નજીક આવેલા ટ્યુટોરિયલ માર્કેટમાં આવેલા ભોયરામાં ગુરૂવારે રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ભોયરામાં રહેલા આર્ટિફિશિયલ ફૂલોમાં આગ લાગતા માર્કેટમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. ફાયરબ્રિગેડની 15 ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ બૂઝાવવાની કામગીરી દરમિયાન ડિવિઝનલ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુરને ધુમાડાની અસર થઈ હતી. જેના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને સારવાર અર્થે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.
ત્રણ દરવાજા પાસે આવેલા ટ્યુટોરીયલ માર્કેટમાં ભોયરામાં આગ લાગી હોવાનો મેસેજ મળતાની સાથે જ જમાલપુર અને પાંચકુવા ફાયર સ્ટેશનની કુલ 15 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ટ્યુટોરિયલ માર્કેટમાં વિવિધ વસ્તુઓના વેચાણની 120થી વધુ દુકાનો આવેલી છે. ભોંયરામાંથી બહાર આવેલો ધૂમાડો માર્કેટમાં ફેલાતાની સાથે જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને વેપારીઓ દુકાન બંધ કરી બહાર નીકળી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવી ભોયરામાંથી આગને કાબૂમાં લીધી હતી.ટ્યુટોરિયલ માર્કેટના ભોંયરામાં આર્ટિફિશિયલ ફૂલો એટલે કે, પ્લાસ્ટિકના ફૂલોનો માલ સામાન પડ્યો હતો. ભોંયરામાં મોટી સંખ્યામાં દુકાનદાર દ્વારા પ્લાસ્ટિકના ફૂલો મૂકવામાં આવ્યા હતા. જેમાં આગ લાગી હતી. જેથી ધૂમાડો વધારે જ ફેલાય ગયો હતો. રાત્રે આગ બૂજાવ્યા બાદ પણ આખી રાત ફાયર બ્રિગેડની 6 જેટલી ટીમો ત્યાં કુલિંગ કરવાની કામગીરી કરી. આગની બીજી ઘટના શહેરના એસપી રિંગ રોડ પર આવેલા નરોડા રણાસણ ટોલ ટેક્સ પાસે રાતે એક લક્ઝરી બસમાં આગ લાગી હતી. બસમાં આગ લાગવાની જાણ થતાં તમામ પેસેન્જર નીચે ઉતરી ગયા હતા. બસમાં આગ લાગતાંની સાથે જ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
