બોપલ-ઘુમા સહિત નવા વિસ્તારોના સ્મશાનોમાં નોંધણી ક્લાર્ક જ નથી
શહેરના રિંગ રોડની ફરતે આવેલા વિસ્તારોને ત્રણ વર્ષ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભેળવવામાં આવ્યા હતા. બોપલ, ઘુમા, શીલજ, ભાડજ, કઠવાડા, સિંગરવા, ચિલોડા સહિતના વિસ્તારો કોર્પોરેશનની હદમાં આવ્યા બાદ તેમાં આવેલા સ્મશાનોમાં કોઈપણ નોંધણી ક્લાર્ક ન હોવાના કારણે નાગરિકોને મરણ અંગેના દાખલા મેળવવા અને નોંધણી માટે સ્થાનિક કોર્પોરેટરો પાસે સહી સિક્કા કરાવવા જવું પડતું હતું. સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં જે નવા વિસ્તારો ભળેલા છે તે તમામ વિસ્તારોમાં આવેલા સ્મશાનોમાં જ્યાં નોંધણી ક્લાર્ક નથી. ત્યાં તાત્કાલિક ધોરણે નોંધણી ક્લાર્કને મૂકવા માટેની સુચના આપવામાં આવી છે. મરણની નોંધણી માટે ક્લાર્ક ન હોવાના કારણે કોર્પોરેટરો ને સહી સિક્કા કરી આપવા પડતા હતા અને ભવિષ્યમાં કોઈ પ્રશ્નો ઉભો થાય જેથી નોંધણી ક્લાર્ક દ્વારા જ કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે.ચોમાસા દરમિયાન ગ્રીન વેસ્ટને લઈને ઘણી સમસ્યા ઊભી થાય છે. ચોમાસુ હોવાના કારણે ઘણી જગ્યાએ પડી જતા હોય અથવા ખરી જતા હોય છે. જેના કારણે તેનો કચરો ઉપાડી અને અન્ય સ્થળે લઈ જવામાં આવે છે જે માટે સમય અને મશીનરીનો સમય વેડફાય છે. જેને ધ્યાનમાં રાખી આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ગ્રીસ વેસ્ટનો સ્થળ પર જ નિકાલ થાય તેના માટે ક્રશ મશીનનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ જ્યારે આકારણી કરવા માટે જાય છે. ત્યારે આકારણી કરવા માટે જે ડોક્યુમેન્ટની જરૂરિયાત ન હોય તેમ છતાં પણ બિનજરૂરી ડોક્યુમેન્ટો માંગતા હોવાની ફરિયાદો સામે આવી હતી. જેથી આજે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે જે ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય એટલા જ ડોક્યુમેન્ટ માંગવાના રહેશે. જે લોકો રોડ ઉપર અથવા ખુલ્લા પ્લોટમાં બિલ્ડીંગ મટીરીયલનો કચરો નાખે છે. તેઓની સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ બનાવ્યા બાદ પાણી, ગટર અને લાઈટ વગેરેનાં કનેક્શન નાખવા માટે ફરીથી રોડને ખોદાણ કરવામાં આવે છે. જેના કારણે નાગરિકોને હાલાકી પડે છે તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ સમય અને પૈસાનો વેડફાટ થાય છે. જેથી હવે જ્યારે કોઈપણ નવી ટીપી સ્કીમમાં નવા વિસ્તારો અથવા નવી બિલ્ડિંગ બનતી હોય તો ત્યાં જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા બિલ્ડીંગ બનાવવા માટેની રજા ચિઠ્ઠી આપવામાં આવતી હોય છે. રજા ચિઠ્ઠી હવે ઇજનેર વિભાગને પણ મોકલવા માટેની સૂચના આપવામાં આવી છે. જેથી ઇજનેર વિભાગ દ્વારા તે વિસ્તારમાં પાણી અને ડ્રેનેજ ની લાઈનો નાખવા માટે તે સમયગાળા દરમિયાન આયોજન કરી શકે. બિલ્ડીંગ બને તે સમયે દરમિયાન પાણી અને ગટરની લાઈન નખાઈ જાય તો ત્યારબાદ રોડની કામગીરી કરી શકાય જેથી ફરીથી રોડ ખોદવાની જરૂર ન પડે.
