અમદાવાદના 110થી વધુ તળાવને ડ્રેનેજના પાણીને શુદ્ધ કરી ભરાશે
રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 110 જેટલા તળાવો સોંપવામાં આવ્યા છે. જ્યારે આગામી સમયમાં પણ બાકીના તળાવો સોંપવામાં આવશે, ત્યારે શહેરમાં આવેલા તમામ તળાવોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેવલપમેન્ટ કરવામાં આવે છે. શહેરમાં આવેલા તમામ તળાવમાં હવે બારેમાસ પાણી રહે અને તેમાં લીલ ન થાય તેના માટે આયોજન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં આવેલા તળાવનો કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરવામાં આવે છે, પરંતુ તળાવમાં બારેમાસ પાણી રહેતું નથી. ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો નિકાલ તળાવમાં કરવામાં આવે છે. જેથી તળાવ ભરાય છે. પરંતુ ચોમાસા બાદ હવે તળાવમાં પણ પાણી રહે તેના માટે નજીકમાં STP અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની સૂચના આજે મળેલી કમિટીમાં આપવામાં આવી છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, શહેરમાં આવેલા તળાવોની આસપાસ એસટીપી અને ટર્સરી પ્લાન્ટ બનાવવાના કારણે જે ડ્રેનેજનું પાણી આવે છે.
તેને શુદ્ધ કરી અને NGTના નિયમો પ્રમાણે તળાવમાં છોડવામાં આવે તો તળાવમાં હવે બારેમાસ પાણી ભરાયેલું રહે. આ ઉપરાંત શહેરમાં આવેલા તળાવમાં જ્યારે પાણી ભરાયેલું હોય ત્યારે તેમાં કોઈ લીલ ન જામી જાય તેના માટે એરેટર અને બાયોરેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે બેક્ટેરિયા નાખી અને શુદ્ધ કરવામાં આવશે. આમ લેટેસ્ટ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી અને તળાવોને શુદ્ધ રાખવામાં આવશે.
