અમદાવાદ એરપોર્ટ પરથી 7.75 કરોડનું 10.32 કિલો સોનું જપ્ત : 10 આરોપીઓની ધરપકડ
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકની એક હોટલમાંથી સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે DRIની ટીમે અબુ ધાબીથી સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતા બે મુસાફરોને એરપોર્ટ પર અન્ય બે વ્યક્તિઓ સાથે તેમને રિસીવ કરવા શકમંદ રીતે જોયેલા. બાદમાં હકીકતના આધારે DRIના અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ વિસ્તાર નજીક એક હોટલ પાસે જ્યાં મુસાફરો રોકાયા હતા ત્યાં બંને મુસાફરોની વ્યક્તિગત તપાસ કરતા તેમના આંતરવસ્ત્રોમાં છુપાવેલ સોનુ મળી આવ્યું હતું અને ઘણાં મહત્વના ખુલાસા થયા હતા.
બાતમીના આધારે મળેલી માહિતીના આધારે દાણચોરીથી લાવવામાં આવેલું આ સોનું પ્રાથમિક તબક્કે 3596.36 ગ્રામ સોનાની પેસ્ટ હતી. DRI અધિકારીઓની ટીમે હોટેલમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા અન્ય સિન્ડિકેટના સભ્યો રોકાયા હોવાનુ જાણવા મળ્યું. જેઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે,સિન્ડિકેટના અન્ય સભ્ય દ્વારા દાણચોરી કરાયેલ સોનાની પેસ્ટ લાવેલા તે પૈકીનો એક વ્યક્તિ વહેલી સવારની ફ્લાઈટમાં આવી અમદાવાદ છોડવા વંદે ભારત એક્સપ્રેસ દ્વારા મુંબઈ જવા રવાના થયો. જેને પકડવા ડીઆરઆઈના અધિકારીઓએ બોરીવલી સ્ટેશન પર વોચ ગોઠવીને વધુ એક દાણચોરને અટકાવ્યો હતો જેની તપાસ કરતા આ વ્યક્તિ પાસેથી સોનાની પેસ્ટ સ્વરૂપે 2,551.000 ગ્રામ સોનું રિકવરી કરવામાં આવ્યું હતું.હોટેલમાં રહેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન મળેલી લીડના આધારે ડીઆરઆઈ અધિકારીઓએ અન્ય એક આરોપીની પણ અટકાયત કરી હતી. જે પોતે પણ આ જ સિન્ડિકેટનો હતો.
