સાણંદના ચરલ પાસે ટ્રેક્ટરમાં મહિલા પડી જતા ટ્રોલીનું ટાયર ફરી વળતા મોત

સાણંદ જીઆઈડીસીની ખાનગી કંપનીમાંથી વર્કરો ટ્રેક્ટરમાં બેસી ચરલ ગામ બાજુ જતાં રસ્તામાં ટ્રેક્ટરચાલકે બ્રેક મારતાં ટ્રેક્ટર ઉપરથી મહિલા પડી જતાં ટ્રેક્ટરના ટ્રોલીનું ટાયર ફરી વળતાં મહિલાનું મોત નીપજ્યું છે મૃતક મહિલાના પુત્રે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

                  સુત્રોના જણાવ્યા અનુસાર સાણંદ તાલુકાના ચરલ ગામે કોલોનીમાં રહેતા અને મૂળ પશ્વિમ બંગાળના જાહદે લથરૂ ચાંદેની માતા મેરી લથરૂ ચાંદે સાણંદ જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બપોરે મેરી લથરૂ ચાંદે નોકરી પરથી છૂટયા હતા. તેમજ વર્કરોને મૂકવા કોલોની ખાતે ટ્રેક્ટરની વ્યવસ્થા કરેલી હોવાથી મેરી ચાંદે બીજા વર્કરો સાથે ટ્રેક્ટરના ડ્રાઈવરની સીટની ડાબી બાજુ બેસીને નીકળ્યા હતા. દરમિયાન ચરલ ગામ તરફ જતા ટ્રેક્ટર ચાલકે અચાનક બ્રેક મારતાં ટ્રેક્ટર ઉપરથી 46 વર્ષીય મેરી લથરૂ ચાંદે નીચે પડી ગયા હતા. જેથી ટ્રેક્ટરના પાછળની ટ્રોલીના ટાયર નીચે આવી જતાં ઈજા થઇ હતી. અકસ્માતની ઘટના બનતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેમાં તેઓનો પુત્ર પણ ત્યાં પહોચતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સાણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનું મોત થયું હતું. સમગ્ર બનાવ અંગે જાહદે લથરૂ ચાંદે સાણંદ જીઆઈડીસી પોલીસમાં ટ્રેક્ટરના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સાણંદ જીઆઇડીસી પોલીસે ટ્રેકટરચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Social