અમદાવાદમાં બે જાહેરખબર એજન્સીઓએ રોડના ડીવાઈડર વચ્ચે લગાવેલાં 536 વૃક્ષો કાપી નાખ્યાં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં એક તરફ 30 લાખથી વધુ વૃક્ષો વાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. શહેરના વિવિધ સ્થળો ઉપર ગાર્ડન વિભાગ દ્વારા વૃક્ષો વાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ રોડ ઉપર વચ્ચેના ભાગે ડિવાઈડર પર લગાવેલા વૃક્ષો જાહેરખબર એજન્સી દ્વારા કાપી નાખવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. જેને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા બે એજન્સીઓને 50-50 લાખ મળી એક કરોડનો દંડ કરવામાં આવ્યો છે. બંને એજન્સીએ એસજી હાઇવે, ચાંદખેડા, ગોતા અને વાડજ વિસ્તારમાં કુલ 536 વૃક્ષ કાપી નાખવામાં આવ્યા હતા.

      અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ રોડ પર ડીવાઈડરની વચ્ચે સેન્ટ્રલ વર્જની જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. એસ્ટેટ વિભાગની ટીમ જ્યારે તપાસમાં નીકળી ત્યારે જાણવા મળ્યું હતું કે, ડિવાઈડરની વચ્ચે જે વૃક્ષો લગાવવામાં આવેલા છે તેને કાપી નાખવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ પર ડિવાઈડરની વચ્ચે લગાવેલા થાંભલા પર જાહેરાત માટે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તે એજન્સી દ્વારા વૃક્ષો કાપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.જાહેરખબર એજન્સી ઝવેરી એન્ડ કંપની દ્વારા એસજી હાઇવે પર વાયએમસીએ ક્લબથી કાકે દા ઢાબા, એલ જે કેમ્પસથી ઝવેરી સર્કલ, સાણંદ ચોકડી થી સનાથળ ચોકડી રોડ અને ચાંદખેડા એશિયન ગ્લોબલ સ્કૂલથી j 18 એપાર્ટમેન્ટ સુધીની રોડ પર ઝવેરી એન્ડ કંપની દ્વારા કુલ 512 જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. જ્યારે ચિત્રા(બી) પબ્લિસિટી લિમિટેડ નામની કંપની દ્વારા સોલાબ્રિજથી શુકન મોલ અને નારણપુરા અંકુર ચાર રસ્તાથી કામેશ્વર સુધીના કુલ 24 વૃક્ષો કાપવામાં આવ્યા છે. જેથી આ બંને એજન્સીને 50-50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.એક તરફ શહેરમાં વૃક્ષો વાવવામાં આવે છે અને વૃક્ષો શુદ્ધ હવા અને ઓક્સિજન પૂરો પાડે છે ત્યારે ઝવેરી એન્ડ કંપની અને ચિત્રા (બી) પબ્લિસિટી લિમિટેડ નામની કંપની દ્વારા ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપી અને જાહેર ખબરના ટેન્ડર માટે જે શરતોનો ભંગ કર્યો છે. જેને લઇ બંને એજન્સીઓ સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
Social