AMC કમિશનરે કહ્યું ભયજનક મકાનોનો સર્વે કરીને તાત્કાલિક ધોરણે ઉતારી લેવા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં સમાવિષ્ટ ભયજનક બાંધકામોનો સર્વે કરી તાત્કાલિક જે-તે મકાન માલિક/ કબ્જેદારોને જે-તે મકાનનું તાકિદે સમારકામ કરાવી લેવા/ સલામત સ્ટેજે ઉતારી લેવા નોટીસ આપવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને ટેક્નિકલ સ્ટાફને સૂચના આપવામાં આવી.
મ્યુનિસિપલ કમિશનરે કરેલા પરિપત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ માનવ જાનહાનિને લગતી બાબત હોવાથી તમારે આ બાબતને ગંભીરતાથી લેવી. એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીથી ખુદ કમિશનર પણ હવે અસંતુષ્ટ હોવાથી તેમને સ્પષ્ટ કહેવું પડ્યું છે કે, આ બાબતને ગંભીરતાથી લેવા. જો આ બાબતે કોઈ અનિયમિતતા જણાશે તો ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરથી લઈ વોર્ડના સબ ઇન્સ્પેક્ટરની જવાબદારી ગણાશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે કે, ભયજનક મકાનોનો સર્વે કરી જે પણ મકાનમાં નોટિસ આપવાની કાર્યવાહી કર્યા બાદ પણ જો માલિક/ કબ્જેદારો દ્વારા આ અંગે કોઇ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં ના આવે તો તે મકાન કે તેના ભયજનક ભાગને ઉતારી લેવાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવી. આ કામગીરી માટે જરૂર જણાય તેવા કિસ્સામાં પોલીસ બંદોબસ્ત મેળવીને પણ આ કામગીરી પૂરી કરવા જણાવવામાં આવ્યું છે. આ બાબતે ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે તપાસ કરી લેવાની રહેશે. આ બાબત માનવ જાનહાનિને લગતી હોઇ, સૂચવ્યા મુજબની કામગીરી ગંભીરતાથી હાથ ધરવા દરેક ટેક્નિકલ સ્ટાફને ખાસ નોંધ લેવા કહેવામાં આવ્યું છે.

Social