AMCની તિજોરી છલકાઈ : બે મહિનામાં ટેકસની આવક રૂ. 857 કરોડ થઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા 9 એપ્રિલથી 31 મે સુધીની એડવાન્સ ટેક્સ રીબેટ સ્કીમના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી છલકાઈ છે. છેલ્લા બે મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ રૂ. 857 કરોડ રૂપિયાની આવક થઈ છે. જેમાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂ. 777.71 કરોડ, પ્રોફેશનલ ટેક્સની 41.55 કરોડ l, TSF ચાર્જની રૂ. 3.49 કરોડ અને વ્હિકલ ટેક્સની 34.40 કરોડની આવક થઈ છે. AMCના ઇતિહાસમાં સૌપ્રથમવાર એક જ મહિનામાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂ. 500 કરોડથી વધુ થઈ છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા 15 ટકા સુધી એડવાન્સ ટેક્સ રીબેટ યોજના લાગુ કરવામાં આવી હતી. 9 એપ્રિલથી 31 મે સુધી આ યોજના હતી, જેમાં 31 મેના રોજ સાંજે સાત વાગ્યા સુધીમાં બે મહિનામાં કુલ ટેકસની આવક રૂ. 857 કરોડ સુધી પહોંચી ગઈ છે, જે રાત્રે 12:00 વાગ્યા સુધીમાં અંદાજિત 865 કરોડ સુધી પહોંચી જશે. જેમાં પ્રોપર્ટી ટેક્સની આવક 785 કરોડ સુધી પહોંચી જાય એવી શક્યતા છે.એડવાન્સ ટેક્સ રીબેટ યોજનાનો કુલ 5,93,473 નાગરિકોએ લાભ લીધો છે અને તે પૈકી 3,69,134 નાગરિકોએ ઓનલાઈન ટેક્સ ચૂકવણી કરી છે. આમ કુલ 62 ટકાથી વધુ લોકોએ ઓનલાઇન ચુકવણી કરી છે. રૂ. 79.87 કરોડનું એડવાન્સ ટેક્સ રીબેટ આપવામાં આવ્યું છે.ચાલુ વર્ષે થયેલી આવક ગત વર્ષની આવક કરતા રૂ. 88.76 કરોડ વધુ છે. પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રૂ. 207.65 કરોડની આવક થઈ છે. 2024-25 વર્ષના જનરલ ટેક્સ, વોટર ટેક્સ, કોન્ઝર્વન્સી ટેક્સ સહિતની ભરવાપાત્ર પ્રોપર્ટી ટેક્સની રકમની એડવાન્સ ચૂકવણી કરનારને 12 ટકા, ઓનલાઈન મારફતે ટેક્સ ચૂકવનારને વધુ 1 ટકા સહિત કુલ 13 ટકા રીબેટ આપવામાં આવશે. જ્યારે સતત ત્રણ વર્ષથી એડવાન્સ ટેક્સ ચૂકવનાર કરદાતાને પ્રોત્સાહનરૂપે વધારાના 2 ટકા સહિત કુલ 15 ટકાનું રીબેટ આપવામાં આવ્યું. છેલ્લાં કેટલાંક વર્ષોથી AMC દ્વારા એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ અમલમાં મૂકવામાં આવે છે.
