બાપુનગરમાં યુવકે મિત્રને આપેલ રૂપિયા પરત માંગતા કાચની બોટલ માથામાં મારી

બાપુનગરમાં યુવકે મિત્રને આપેલ ઉછીના રૂપિયા પરત માંગતા તેને કાચની બોટલ અને સિમેન્ટના બ્લોકથી હુમલો કર્યો હતો. ત્યારે ત્રણ મહિના અગાઉ રૂ. 10,500 ઉછીના આપ્યા હતા અને મિત્ર પરત આપવાનું નામ લેતો ન હતો. આ અંગે યુવકે મિત્ર સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. બાપુનગરમાં રહેતા મોહમ્મદ અશરફ અંસારી રિક્ષા ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં તેમને મિત્ર નાઝિમ રાજપૂતને ત્રણ મહિના પહેલા રૂ. 10,500 ઉછીના આપ્યા હતા. પરંતુ તે પરત આપતો ન હતો. ત્યારે ગત 31મેએ રાત્રીના સમયે તેઓ અજીતમીલ ચાર રસ્તા પાસે બેઠા હતા. ત્યારે નાઝિમ ત્યાં આવ્યો હતો અને રૂપિયા બાબતે બોલાચાલી કરવા લાગ્યો હતો. અને રૂપિયા પરત આપીશ નહિ તારાથી થાય તે કરી લે તેવી ધમકી આપીને ઝઘડો કર્યો હતો. આટલું જ નહિ નાઝિમે કાચની બોટલ અને સિમેન્ટનો બ્લોક મોહમ્મદ અશરફને માથામાં માર્યો હતો. જેથી બૂમાબૂમ થતા આસપાસના લોકો ભેગા થઇ જતા નાઝિમ ત્યાંથી નાસી ગયો હતો. અને ઇજાગ્રસ્ત અશરફને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે મોહમ્મદ અશરફે નાઝિમ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

Social