રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમીના લીધે શાળા સંચાલક મંડળના પ્રમુખની CMને રજૂઆત

13 જૂનથી શરુ થઈ રહેલા શૈક્ષણિક સત્રને લઈને શાળાઓ ખુલી રહી છે. શાળા સંચાલકોએ રજૂઆત કરી છે કે, શાળાઓ એક સપ્તાહ મોડી ખોલવામાં આવે. એટલે કે, શાળાઓમાં ચાલી રહેલું ઉનાળું વેકેશન 13 જૂનની જગ્યાએ 22 જૂન સુધી લંબાવવામાં આવે. રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી પહોંચી છે. એટલું જ નહિ હજુ પણ ગરમી અને હીટવેવની આગાહી છે. ત્યારે આગામી 13 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થઇ રહ્યું છે. જેને લઇ રાજ્ય શાળા સંચાલક મંડળે અઠવાડિયું ઉનાળુ વેકેશન લંબાવવાની રજૂઆત શિક્ષણ વિભાગમાં કરી છે. આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતુ કે, આ વખતે ગરમી અને હીટવેવની અસર વધુ જોવા મળી છે. હજુ પણ ગરમી યથાવત રહેવાની આગાહી છે. ત્યારે 13 જૂનથી શૈક્ષણિક સત્ર શરું થાય છે. તેવા સમયે પણ ગરમી યથાવત રહેવાની હોય તો શાળાઓ એક સપ્તાહ મોડી ખોલવા શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.અત્યારે સ્કૂલ એક સપ્તાહ મોડુ શરૂ કરવામાં આવે અને તે સાત દિવસનો કાપ દિવાળી વેકેશનમાં મુકી શકાય. જેથી વેકેશન એક અઠવાડિયું લંબાવવા માગ છે. દિવાળી વેકેશન 21 દિવસનું હોય છે તેની જગ્યાએ તેને 14 દિવસનું કરીને તે રજાના દિવસો આ વખતે ઉનાળું વેકશનમાં વધારી દેવા જોઈએ. મોટાભાગની CBSE શાળાઓ પણ 22 જૂન બાદ કે જુલાઈ માસની શરૂઆતથી ખુલી રહી છે. ત્યારે ગુજરાત બોર્ડની શાળાઓમાં પણ ગરમીના કારણે એક અઠવાડિયું વેકેશન લંબાવવાની માગ છે.રાજકોટના અગ્નિકાંડને પગલે શાળાઓમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી રહી છે. જે શાળાઓ પાસે ફાયર એનઓસી નથી કે પછી ફાયર સેફ્ટી નથી ત્યાં એ કામગીરી કરવામાં આવી રહી છે. જો શાળાનું વેકેશન એક અઠવાડિયુ લંબાવવામાં આવે તો શાળાઓને એ કામગીરી કરવાનો પણ સમય મળી શકે છે.

Social