રમતાં રમતાં કોડી
નહીં
પણ મોત મળ્યું……..

આજનો લેખ ગત્ 25 મેં ના રોજ રાજકોટ ગેમ ઝોન માં લાગેલી આગમાં દુર્ભાગ્ય પૂર્ણ રીતે મૃત્યુ પામેલા તમામ સદગત્ જીવો ને શ્રધ્ધાંજલી રૂપે સમર્પિત કરું છું પ્રાર્થના કરું તમામ જીવો ને ઈશ્વર પરમ શાંતિ આપે. આમતો શ્રધ્ધાંજલિ કરતા અહીં હું સ્તબ્ધાંજલી શબ્દ પ્રયોગ કરીશ કારણ કે આ દુઃખદ ઘટના પછી આખું ગુજરાત સ્તબ્ધ છે ત્યારે શું લખવું એ જ ન હતું સુઝતું. પણ છતાં કાળજું કઠણ કરીને થોડું લખવા નો પ્રયત્ન કર્યો છે.

હું નાનો હતો ત્યારે એક બાળગીત ખૂબ પ્રચલિત હતું જે ભણવામાં પણ આવતું જેના શબ્દો હતા

અમે ચાંદો સૂરજ રમતા’તા , રમતાં રમતાં કોડી જડી
કોડીનાં મે ચીભડાં લીધાં, ચીભડે મને બી દીધાં………!!

પણ અહીં વાત સાવ અલગ છે રાજકોટ ના એ ગેરકાનૂની રીતે બંધાયેલા ગેમ ઝોન માં બાળકો રમતો રમવા ગયા હતા પણ તે ભૂલકાઓ ને અને તેના સ્વજનોને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે અહીં જીંદગી તેમની સાથે આવી ક્રુર રમત રમી મોત ની સાથે સાક્ષાત્કાર કરાવશે. હોંશે હોંશે આ ગેંમ ઝોન માં પ્રવેશેલા લોકો ને ક્યાં ખબર હતી આ ગેમ ઝોન નહીં પણ તેમની માટે લાક્ષાગૃહ‌ સાબિત થશે. અરે હું તો એમ કહું કે લાક્ષાગૃહ માં પણ‌ બચવા માટે સુરંગ હતી પણ અહીં તો લોકો બચવા નો કોઈ આરો જ ન રહ્યો. લોકો અને ભૂલકાઓ લગભગ ૩૦૦૦° તાપમાન વાળા આગના વમળ વચ્ચે બચાવો બચાવો ના આક્રંદ કરતા રહ્યા પણ બચવા નો કોઈ આરો ન રહ્યો. નજર સામે તેમના વ્હાલ સોયા ભૂલકાં ને ભડથું થતાં નું દ્રશ્ય જે માં બાપે જોયું હશે તેની મનઃસ્થિતિ શું થઈ હશે એ વાત હું આપના પર છોડુ છું.

આવી ઘટના નવી નથી ખાસ કરીને ગુજરાત માટે તો નહીં જ કારણ કે સુરત તક્ષશિલા કાંડ થી લઈ વાયા મોરબી પુલ દુર્ઘટના અને વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના થઈ આ રાજકોટ ગેમ ઝોન અગ્નિ કાંડ સુધી આવો તો હજારો જીંદગીઓ દુર્ઘટનામાં ની અગ્નિ માં સ્વાહા થઈ ગઈ છે. તો શું આવી ઘટના ને આકસ્મિક ઘટના ગણાવી શકાય? આકસ્મિક તો એને કહેવાય કે જે અચાનક બને પણ અહીં તો અધિકારી થી લઈ ઓનર સુધી ના ને બધી ખબર હતી એટલા માટે આ ઘટના ને સહેજ પણ આકસ્મિક ન કહેવાય આ માનવસર્જિત દૂર્ઘટના જ કહેવાય એવું નામદાર હાઈકોર્ટે નું પણ અવલોકન છે. હું તો એમ કહું છું કે આ ઘટના એ આતંકવાદી હુમલા બરાબર છે અને જેણે પણ ભ્રષ્ટાચાર કરી આ મોત નુ ઝોન બનાવ્યું કે પરમીશન આપી એ તમામ‌ને આતંકવાદી જાહેર કરવા જોઈએ કારણ કે જે રીતે આતંકવાદી બંદુક ની નોક પર જીંદગી રઝણતી કરી મૂકે છે એ રીતે આવા ભ્રષ્ટાચારી ઓએ નોટો ના બંડલ ગણી આ અગ્નિ કાંડ માં જીંદગી રઝણતી કરી મૂકી આ ભયાનક કાંડ ને અંજામ આપ્યો છે .

આ ઘટના પર ચારે બાજુ ભારે રોષ છે. સબ સલામત ના દાવા કરનારી સરકાર આજે શંકા ના દાયરામાં છે. પણ કંઈ નવું નહીં થાય એવો લોકો ને પણ વિશ્વાસ છે. તપાસ માટે SIT ની રચના કરી છે, કોઈ ચમરબંધી ગુનેગાર ને છોડવામાં નહીં આવે, નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે , સરકાર દ્વારા આટલા રૂપિયા ની સહાય કરવામાં આવશે આવા શબ્દો સાંભળી પ્રજા ના કાન પાકી ગયાં છે પણ સરકાર ના પેટ નું પાણી પણ નથી હલતું. સરકાર ને પણ ખ્યાલ હશે કે થોડા દિવસ બધા હો હો કરશે પછી પાછું હતું એ ના એ …. લાગણી અને સંવેદના જાણે સરકાર ના હ્દય માંથી નિકળી ગઈ હોય , અહીં જાણે પ્રજા ના જીવની કોઈ કિંમત જ નથી ગુજરાત ને આવી દુર્ઘટના માં લાશો ગણવા નું કોઠે પડી ગયું હોય એવું લાગે છે. કોઈ ઠોસ કામગીરી નહીં, મુખ્ય સૂત્રધાર ને કોઈ સજા નહીં , નાના વર્કર ને પકડી લેશે અને થોડો સમય વિત્યા પછી બધું રફે દફે કરવા નું કાળું કારસ્તાન ચાલે છે.

દિલમાં થોડો ડર પ્રભુ તણો રાખી ઈમાનદારી થી કામ કરો ,તમારા આ ભ્રષ્ટાચાર માં પ્રજા ના જીવ હોમાયા છે ક્યાં સુધી આવા મોત ના ખેલ ખેલતા રહેશો જે માટે તમને ચૂંટ્યા છે તેનો થોડો તો મતલબ નિકાળો. પોતાના સ્વજનો અને બાળકો ગુમાવેલા વ્યક્તિ ના હ્દય માં ચાલી રહેલી પ્રતિશોધ ની જ્વાળા ને અનુભવવાનો પ્રયત્ન કરો અ..રે હદ તો ત્યાં થઈ ગઈ કે હવે તો પ્રજા એ કહેવું પડ્યું જો કોઈ ગુનેગાર ને એનકેન પ્રકારે બચાવવા નો પ્રયત્ન કર્યો તો અમે તેને મારી નાખીશું.આનાથી વિશેષ આપણું દુર્ભાગ્ય શું હોઈ શકે! એતો જેને કાંટો વાગ્યો હોય એને જ ખ્યાલ હોય કે કેટલું દર્દ થાય છે એ રીતે જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે ને એને જ આ ઘટના પાછળ ના દર્દ નો અનુભવ હોઈ શકે. એ એવો અનુભવ કે તેનું વર્ણન ન થઈ શકે તેમની માટે પ્રાર્થના જ છેલ્લા રસ્તો છે. માટે ખૂબ કરુણ હ્દયે કરુણાનિધિ કરુણા ના સાગર પરમાત્મા ને પ્રાર્થના કરું કે આપના શરણે આવેલા તમામ જીવો ના આત્મા ને શાંતિ અર્પે આટલું લખી હું મારી બોલપેન તોડી નાખું છું જેથી ફરી ક્યારેય આ બધી દુર્ઘટનાનું વર્ણન મારે લખવું ન પડે. છેલ્લે સરકાર ને શાસ્ત્ર ના આધારે બે હાથ જોડીને પ્રાર્થના કરું કે જેમ પકડાયેલા ચોર ને અભય ન અપાય, વિધાર્થી ને તમાકુ કે વ્યસન માટે ન કહેવાય અને સંતો ને સુવર્ણ નું દાન ન કરાય એનો દોષ લાગે છે માટે આ અગ્નિ કાંડ ના ચોરો ને પકડી અભય ન કરતા નહીંતર તે ફરી આવી ઘટના ને લોભ લાલચે અંજામ આપવાનો પ્રયત્ન કરશે તેને કડક સજા કરો બસ….ભગવાન સૌનું રક્ષણ કરે ૐ શાંતિ.

Social