પર્યાવરણના જતન માટે રોજીંદા જીવનને સ્પર્શતા ૫૧ ઉપાયો
આગામી ૫ જુને સમગ્ર વિશ્વમાં “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ૫૧મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે. તેના ભાગરૂપે પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટેના અનેક કાર્યક્રમોનું આયોજન થશે. જેમાં મોટા મોટા વાતાનુકૂલિત સભાખંડોમાં પર્યાવરણની જાળવણી અંગેની નીતિઓ, કાર્યક્રમો, પર્યાવરણ જાગૃતિને લઈને પરિસંવાદો અને અનેક જગ્યાએ વૃક્ષારોપણ તથા પર્યાવરણ બચાવવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. પર્યાવરણની જાળવણી માટે આ પ્રકારના તમામ કાર્યક્રમો આવકાર્ય જ હોય પરંતુ જો તેનું અમલીકરણ માત્ર ૫ જુનના દિવસ” પુરતું જ માર્યાદિત હોય તો તે આપણા સૌ માટે શરમજનક અને ચિંતાયુક્ત બાબત ગણી શકાય. જે રીતે દિવસે ને દિવસે આપણે જળવાયુ પરિવર્તનના ગંભીર પરિણામો ભોગવી રહ્યા છીએ તેના પરથી આપણે સૌએ વહેલી તકે સમજી લેવું પડશે કે માનવ જાતે પોતાના વર્તમાન અને ભવિષ્યના ટકાઉ વિકાસ માટે પોતાને અનુકૂળ નહિ પરંતુ પર્યાવરણને અનુકૂળ હોય તેવી જીવનશૈલી અપનાવી પડશે. તો તે માટે આજે જાણીએ રોજીંદા જીવનને સ્પર્શતા પર્યાવરણના જતન માટેના ૫૧ ઉપાયો વિષે.
- શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો.
- ખરીદી કરવા જઈએ ત્યારે કપડાની થેલી સાથે લઇ જવી.
- શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન ખરીદી કરવાનું ટાળવું અને સ્થાનિક બજારમાંથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો.
- બિનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવાનું ટાળવું.
- બિનજરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ ન કરવો.
- શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કરવો.
- વ્યક્તિગત વાહન વાપરશમાં પ્રદુષણ નિયંત્રણ અંગેની તકેદારી રાખવી.
- ધુમાડો રોકવા, બળતણ બચાવવા અને વાતાવરણના રક્ષણ માટે વાહનોનો ઉપયોગ ઘટાડવો.
- ચાર રસ્તા/ ક્રોસિંગ ઉપર વાહનોના એન્જીન બંધ કરવા અને બ્રેકનો ઉપયોગ ઘટાડવો.
- શક્ય હોય ત્યાં સુધી ઈલેક્ટ્રોનિક વાહનોનો ઉપયોગ વધારવો.
- આપણા રહેઠાણોમાં વરસાદી પાણીનો યોગ્ય રીતે સંગ્રહ થાય તેવી વ્યવસ્થાઓ ઉભી કરવી.
- વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવો.
- ભૂગર્ભ જળના તળ ઉંચા આવે તે માટે બોર-કુવા રીચાર્જ કરવા.
- રહેણાંક વિસ્તારોમાં અને વિશાળ જગ્યા ધરાવતી સરકારી કે ખાનગી કચરીઓમાં ખંભાતી કૂવા થકી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારી જળના તળ ઉંચા લાવવા.
- રોજીંદા કાર્યોમાં પાણીનો કરકસરયુક્ત વપરાશ કરવો.
- ઘરે આવતા મહેમાનોને જરૂર મુજબ અથવા તો અડધો ગ્લાસ જ પાણી આપો.
- રોજીંદા કાર્યોમાં પાણીનો પુનઃવપરાશ થઇ શકે તેવા ઉપાયો અપનાવવા (કપડાં અને વાસણના પાણી માટે એવી વ્યવસ્થા કરો કે તે આપોઆપ ફૂલ છોડના ક્યારા સુધી પહોંચે. જેથી ફૂલ છોડ માટે વધારાનું પાણી વાપરવું ન પડે.)
- શાકભાજીના કચરાને ક્યારામાં નાખવો. તે ફૂલ છોડ માટે ઉત્તમ ખાતરનું કામ કરશે.
- અતિશય કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવાથી લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા નાશ પામે છે માટે ખેતીમાં છાણીયા ખાતરનો ઉપયોગ વધારવો જોઈએ.
- અગાસી કે ઓટલા ધોવા માટે વધારે પડતા પાણીનો ઉપયોગ ન કરવો.
- ફૂલ છોડમાં આડેધડ પાણી છાંટવાને બદલે ટંપક સિંચાઈ પદ્ધતિ કે ફુવારા પદ્દતિનો ઉપયોગ કરવો. અથવા તો પછી બજારમાં મળતી વોટર સ્પ્રે બોટલમાં પાણી ભરીને પણ ફૂલ છોડ પર જરૂરિયાત મુજબનું જ પાણી છાંટવું જોઈએ.
- અન્ય કામ કરતા હોઈએ ત્યારે પાણીનો નળ ખુલ્લો ન રાખવો.
- જો નળમાંથી પાણી ટપકતું હોય તેનું તાત્કાલિક સમારકામ કરાવવું.
- ઘર વપરાશમાં રાંધણગેસનો જરૂર પુરતો જ ઉપયોગ કરવો.
- જરૂરિયાત મુજબની જ રસોઈ બનાવવી.
- ઘર કે બિલ્ડિંગના કામમાં નડતા વૃક્ષોને કાપવાને બદલે ઇકો ફ્રેન્ડલી પધ્ધતિ અપનાવી વૃક્ષને નુકસાન ન થાયે એ રીતે બાંધકામ કરી શકાય.
- ઘર કે ઓફિસની આસપાસની જગ્યામાં વૃક્ષો ઉછેરવા.
- જગ્યાની ઉપલબ્ધતાને ધ્યાને રાખી કીચન ગાર્ડન વિકસાવી શકાય.
- તમારી આસપાસ ગેરકાયદે વૃક્ષ છેદન થતું હોય અથવા તો પશુ પક્ષીઓનો શિકાર થતો હોય તો તાત્કાલિક સંબધિત વિભાગને જાણ કરવી.
- વનસ્પતિ, પશુ, પક્ષીઓ અને અન્ય જીવ સૃષ્ટિની લુપ્ત થતી પ્રજાતિઓના રક્ષણ માટે પ્રયત્નો હાથ ધરવા.
- વૃક્ષો જમીનના ધોવાણને અટકાવે છે. માટે જ્યારે વૃક્ષો કાપવાની અનિવાર્યતા ઉભી થાય ત્યારે પહેલા એટલા જ વૃક્ષો ઉછેરી શકાય તેવું આયોજન કરવું.
- ખાસ પ્રસંગે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવું.
- ભેટમાં આપવા માટે વિવિધ ફૂલછોડના કુંડા આપવાનો વિક્લ્પ અપનાવવો.
- કચરાનો નિકાલ ગમે ત્યાં ન કરવો અને તેના માટે યોગ્ય વ્યવસ્થા અપનાવવી.
- રોજીંદા કાર્યોમાં કચરાનું પ્રમાણ ઘટે તે માટેના પ્રયત્નો હાથ ધરવા.
- જે કચરાનો ઉપયોગ ફરીથી કરી શકાય તેમ હોય તેને જુદો રાખવો.
- ખુલ્લો કચરો બાળતા લોકોને સમજાવીને કચરામાંથી જૈવિક ખાતર બનાવી શકાય.
- જમીનને કૃત્રિમ ખાતરના નુકસાનથી બચાવવા ઓર્ગેનિક ખેતીનો વિકલ્પ અપનાવવો અને તે માટે વધુ લોકોને પ્રેરિત કરવા.
- ઇલેકટ્રોનિક વસ્તુની ખરીદી તેના સ્ટાર જોઈને કરવી જોઈએ. જે ઇલેકટ્રોનિક્સ વસ્તુઓ ઓછી વીજળી દ્વારા કામ આપતી હોય તેવી વસ્તુના વપરાશનો જ આગ્રહ રાખવો.
- ઇલેકટ્રોનિક વસ્તુઓના કચરાનો (ઈ વેસ્ટ) અને પ્લાસ્ટિક વેસ્ટનો યોગ્ય નિકાલ કરવો.
- જ્યારે વીજળીનો વપરાશ ન કરવો હોય ત્યારે સ્વીચ બંધ રાખવી.
- કમ્પ્યુટર, ટીવી, ચાર્જર વગેરેના પ્લગને જરૂર ન હોય ત્યારે અનપ્લગ કરી દેવા જોઈએ.
- ઇ-પેપર, ઇ-મેગેઝિન, ઇ-બુક વાંચવાની આદત વિકસાવવી.
- ગમે ત્યાં થુકવાનું અને જાહેરમાં પેશાબ કે શૌચ કરવાનું ટાળવું.
- આપણા દ્વારા આસપાસના વિસ્તારોમાં હવા, પાણી, અવાજ અને જમીનનું પ્રદુષણ ન થાય તેની તકેદારી રાખવી.
- ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતો જેવા કે સૌર ઉર્જા, પાણી ઉર્જા અને વાયુ ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવો.
- કાગળમાં લખાણ કે પ્રિન્ટ કરીએ ત્યારે કાગળની બંને બાજુનો મહત્તમ ઉપયોગ કરવો.
- પર્યાવરણ જાગૃતિ અર્થે બાળકો અને યુવાનો માટે પ્રાકૃતિક શિક્ષણ શિબિરોના આયોજનો કરવા.
- પર્યાવરણના રક્ષણ માટે કામ કરતી સંસ્થાઓમાં સ્વયં સેવક તરીકે સેવા આપી શકાય.
- પર્યાવરણના રક્ષણ માટે ત્રણ “R” Reduce, Recycle, Reuse ને સમજીને તેને આપણી જીવનશૈલીનો હિસ્સો બનાવવો જોઈએ.
- જન (માણસ)ના ટકાઉ વિકાસ માટે નવી પેઢીને જળ, જમીન, જંગલ અને જાનવરોનું મહત્વ સમજાવવું.
અહી જણાવેલ પર્યાવરણ જતન માટેના ઉપાયો પૈકી ઓછામાં ઓછા એકાદ બે ઉપાયોને આપણી રોજીંદી જીવનશૈલીનો ભાગ બનાવીએ તેવી આશા સાથે અંતમાં, પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન વિષે ગાંધીજી શું માનતા તે અંગે…
એક વાર યરવડા જેલમાં કાકાસાહેબ, ગાંધીજી માટે દાતણ લાવવા લીમડાની એક આખી ડાળખી તોડી લાવ્યા ત્યારે ગાંધીજીએ એમને ટકોર કરી કે – ‘એક વેંતના દાતણ કરતાં વધારે મોટી ડાળખી તોડવાનો આપણને કોણે અધિકાર આપ્યો?’ રસ્કિનનું પુસ્તક વાંચી ફિનિક્સના વગડામાં વસાહત કરનાર ગાંધીએ હાથમાં કોદાળી લઇ ખેતી કરવા માંડી ત્યારથી તેઓ – माता भूमि:पुत्रोऽहंम पृथिव्यां :’ (માતા ભૂમિ અને હું પૃથ્વીનો પુત્ર) એ સમજતા જ નહિ માણતા થયા. આધુનિક સમયમાં પર્યાવરણના પ્રશ્નો વકરવાનું કારણ પૃથ્વીને માતા તરીકે ન જોતાં શોષણના સાધન તરીકે જોનાર આપણી સ્વાર્થી વૃત્તિ છે. વહી જતી નદીમાંથી જરૂર પૂરતું જળ (માત્ર લોટી જ) વાપરતા અને કહેતા કે નદી એમના એકલા માટે નથી માછલી અને કાચબાઓ માટે પણ છે. આજની દુનિયાનો બીજો એક મોટો પ્રશ્ન કુદરતી સંપતિના બેફામ ઉપયોગ અને બગાડનો છે. ગાંધીજી કાંતતી વખતે સૂતરના ડૂચાનો પણ બગાડ ન કરતા, તેનાથી ફાટેલાં કપડાંને થીંગડા મારતા કે રફુ કરતા. કુદરતી સંપત્તિનો કરકસરપૂર્વકનો ઉપયોગ કે ઓછામાં ઓછો બગાડ પણ પર્યાવરણનું સંવર્ધન જ છે. (ઓપિનિયન મેગેઝીનમાં “આપણી સમસ્યાઓનું સમાધાન છે – ગાંધી વિચાર” અરવિંદ વાઘેલાના ૩ ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ પ્રકશિત થયેલ લેખમાંથી સાભાર)
