રથયાત્રા અને મંદિરની સુરક્ષાને લઈ અમદાવાદ CPની મંદિરના મહંત અને ટ્રસ્ટી સાથે ચર્ચા
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઈના રોજ યોજાવાની છે, ત્યારે રથયાત્રા અને મંદિરની સુરક્ષાને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જમાલપુર જગન્નાથ મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. પોલીસ કમિશનર જી. એસ. માલિક સહિત ક્રાઈમ બ્રાન્ચના જેસીપી, ડીસીપી સહિતના અધિકારીઓએ મંદિરના મહંત અને ટ્રસ્ટી સાથે સુરક્ષા બાબતે ચર્ચા કરી હતી. પોલીસ કમિશનર અને અધિકારીઓએ ભગવાન જગન્નાથના દર્શન પણ કર્યા હતા.

દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિર ખાતેથી નીકળે છે. ત્યારે લાખોની સંખ્યામાં રથયાત્રામાં આવતા દર્શનાર્થીઓની સુરક્ષાને લઈને પોલીસ કમિશનર અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે જગન્નાથ મંદિર ખાતે બેઠક કરી હતી. દર વર્ષની જેમ રથયાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો આવતા હોવાના કારણે સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.દર વર્ષે રથયાત્રામાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. સંવેદનશીલ વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થતી હોવાથી સુરક્ષા વ્યવસ્થાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. રથયાત્રાના રૂટ અને જમાલપુર જગન્નાથ મંદિર ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. રથયાત્રાના બે દિવસ પહેલા જ પોલીસ મંદિર અને રથયાત્રાના રૂટ ઉપર ગોઠવાઈ જાય છે. ત્યારે આ તમામ બાબતોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
