અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કે. તથા ચૂંટણી ઓબ્ઝર્વરઓની ઉપસ્થિતિમાં મતગણતરી સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઇઝેશન કરાયું

લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની મતગણતરી તારીખ 4 જૂનના રોજ યોજાનાર છે. અમદાવાદ જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ બેઠકની મતગણતરી અનુક્રમે એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ અને ગુજરાત કૉલેજ ખાતે થનાર છે. લોકસભા ચૂંટણીની મતગણતરી આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી. કે. તથા ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ચૂંટણીના જનરલ અને કાઉન્ટિંગ ઓબ્ઝર્વર પુનિત યાદવ, અભિનવ ચંદ્ર, ડૉ. જી. વિશ્વનાથ અને અશોકકુમાર દાસની ઉપસ્થિતિમાં મતગણતરી સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. કમ્પ્યૂટરાઇઝ પદ્ધતિથી કરવામાં આવેલ આ સેકન્ડ રેન્ડમાઈઝેશન દ્વારા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક માટે દરેક વિધાનસભા વિસ્તારમાં 14 ટેબલ લેખે 98 ટેબલ પર 126 સુપરવાઈઝર, 126 આસિસ્ટન્ટ સુપરવાઈઝર, 140 માઈક્રો ઓબ્ઝર્વર અને પોસ્ટલ બેલેટ પેપર તથા ETPBS ની ગણતરી માટેનો સ્ટાફ મળી એક લોકસભા બેઠકમાં અંદાજે 600 પ્રમાણે 1200 જેટલાં મતગણતરી સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. આ સ્ટાફનું વહેલી સવારે-5.00 વાગે કાઈન્ટિંગ ઓબ્ઝર્વરઓની ઉપસ્થિતિમાં થર્ડ રેન્ડમાઈઝેશન કર્યા બાદ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
અમદાવાદની બન્ને બેઠકો માટે મતગણતરીમાં રોકાયેલા સ્ટાફને તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યો છે તથા ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીના બન્ને સ્થળો પર કરવામાં આવેલ વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી છે. મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની ચુસ્ત જાળવણી માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સંકલન કરી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. આ પ્રસંગે અમદાવાદ પૂર્વના ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર અને નેહા ગુપ્તા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Social