ફરી એકવાર , જનતા જ સરકાર !
વિશ્વની સૌથી મોટી લોકશાહી જેનો પાયો સિંચવામાં અનેક નિસ્વાર્થ બલિદાનોની આહુતિ અપાઈ છે એવા ભારત દેશની વિશ્વની સૌથી મોટી એવી લોકસભા ચૂંટણીના પરિણામો સાબિત કરે છે કે ભારતની લોકશાહી માત્ર કાગળ પૂરતી નથી પરંતુ ભલભલા કદાવરોને પણ અરીસો દેખાડી દેવા સક્ષમ છે.
આ પરિણામોથી એક વાત તો સાબિત થઇ કે “યે પબ્લિક હૈ ,સબ જાનતી હૈ ” જનતા બધુજ જાણે છે ,બધુજ માર્ક કરે છે , અને સાવ ખોટી વાતો ચલાવી લે તેવી મૂર્ખ પણ નથી. જો કોઈ પણ પક્ષે જનતાનો વિશ્વાસ જીતવો હોય તો જવાબદાર બનવું પડે અને મર્યાદામાં રહેવું પડે ,બાકી ધોળે દિવસે તારા દેખાડી દેવા આ જનતા સક્ષમ છે.ભારતમાં કોઈ મજબૂત વિપક્ષ કે વિકલ્પ ન હોવા છતાં જે પરિણામો આવ્યા છે તે કોઈ પણ રાજકીય પક્ષની આંખો ખોલી દેનારા છે. જો જનતા ધારે તો સત્તા , પૈસો અને પાવર બધા ઉપર હાવી થઇ શકે તેમ છે. તેથીજ રાજકીય પક્ષો હોય કે નેતાઓ તમામ માટે આ પરિણામોં ચેતવણી સ્વરૂપ છે . આવા તમામે સમજી લેવું જોઈએ એ સત્તા કાયમી નથી પણ જનતા કાયમી છે. તમે ગમે તેટલા ઉચ્ચ પદ પર હશો કે ગમે તેટલા પાવરમાં હશો પણ તમે જનતાનો એક ભાગ છો , બસ તમે જનતાનું પ્રતિનિધિત્વ કરો છો, તેનાથી વિશેષ કંઈ નથી એ કાયમ યાદ રાખવું જોઈએ , જો કાંઈ વિશેષ ઉપલબ્ધી મેળવવી હોય તો જનતાના સેવક તરીકે મેળવો તો આપો આપ જનતાનો પ્રેમ મળશે. પાણી મોડું આવે ,ગટર ઉભરાય કે રસ્તામાં ખાડા પડે તે તમનેય નડવાનાજ છે આવી દેખીતી વસ્તુઓમાં જનતાના પ્રતિનિધિ તરીકે સૌ પહેલા અવાજ ઉઠાવવો એ તમારી પ્રથમ ફરજ છે .ટૂંકમાં જનતા હવે જાગી છે અને પોતાનો મિજાજ બતાવવા સક્ષમ બની છે ત્યારે રાજકીય પક્ષો કે નેતાઓ જો જનતાને ” ટેકન ફોર ગ્રાન્ટેડ ” લેશે તો તે હવે નહિ ચાલે .
