અંગદાન કરી પરિવારે માનવતા મહેકાવી

હાલ અમદાવાદના છત્રાલમાં રહેતા 32 વર્ષીય ઉપેન્દ્રસિંહ શિવશંકર 1 જૂનના રોજ પડી જતા માથાના ભાગે ઈજા પહોંચી હતી. જેથી તેમને પ્રથમ પ્રાઈવેટ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરોએ ઉપેન્દ્રસિંહને બ્રેઈન ડેડ જાહેર કર્યા. ઉપેન્દ્રસિંહ મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
ઉપેન્દ્રસિંહના પરિવારમાં તેમના માતા, બે ભાઈ તેમજ બે બહેનો છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે ઉપેન્દ્રસિંહના ભાઈઓને બ્રેઈન ડેડ તેમજ અંગદાન વિશે સમજાવતા તેમના એક ભાઈ, ભત્રીજા અને પરિવારના અન્ય સભ્યોએ મળી ઉપેન્દ્રસિંહનાં અંગોનુ દાન કરવાનો ઉમદા નિર્ણય કર્યો હતો. ઉપેન્દ્રસિંહના અંગદાન થકી બે કીડની, એક લીવર તેમજ એક હૃદયનુ દાન મળ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, ઉપેન્દ્રસિંહના અંગદાનથી મળેલ કીડની તેમજ લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. તેમજ હૃદયને યુ.એન. મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરી કુલ ચાર લોકોની જિંદગી આપણે બચાવી શકીશું. સિવિલ હોસ્પિટલ દ્વારા આરંભાયેલા અંગદાન મહાદાનથી અત્યારસુધીમાં કુલ 155 અંગદાતાઓ થકી કુલ 501 અંગો તેમજ ચાર સ્કીનનું દાન મળેલ છે. જેના થકી 485 વ્યક્તિઓને જીવનદાન મળ્યુ છે.

Social