અમદાવાદમાં શેરબજારમાં પૈસા રોકી રોજ બે ટકા નફાની લાલચ આપી ગઠિયાએ 86 લાખ પડાવ્યા

શેરબજારમાં રોકાણ કરવાથી રોજનો 2 ટકા નફો મળશે તેવી લોભામણી લાલચ આપીને ગઠિયા ટોળકીએ જમીન દલાલ અને મિત્ર પાસેથી રૂ.86 લાખ પડાવી લીધા હતા. ગઠિયા ટોળકીએ જમીન દલાલને જુદા જુદા વોટસએપ ગ્રૂપમાં એડ કરીને રોજે રોજ શેરબજારની ટિપ્સ આપતા હતા. જેમાં તેમના એકાઉન્ટમાં રૂ.2.50 કરોડનો નફો બતાવીને તે પૈસા ઉપાડવા માટે રૂ.28 લાખ માંગ્યા હતા. જેથી શંકા જતા જમીન દલાલે તપાસ કરતા તે ગઠિયા ટોળકીના ચુંગલમાં ફસાયા હોવાની જાણ થઈ હતી.

સિંધુ ભવન રોડ તાજ હોટલની પાછળ આવેલા મેપલ – 2 માં રહેતા રુદ્રેશભાઈ રસિકલાલ રાવલ(54) જમીન લે – વેચનો વ્યવસાય કરે છે. 17 એપ્રિલે તેઓ ઈન્સ્ટાગ્રામ જોતા હતા, ત્યારે શેરબજારમાં રોકાણ કરો છો તેવી જાહેરાત આવી હતી. જેમાં હા કે ના માં જવાબ આપવાનો હતો. રુદ્રેશભાઈએ હા ઉપર ક્લિક કરતાની સાથે જ તેઓ સેકસો ભારત એક્સચેન્જ 79 નામના વોટસએપ ગ્રૂપમાં એડ થઈ ગયા હતા. તે ગ્રૂપના એડમિન પૂજા શર્મા હતા તેમજ જુદા જુદા નંબરો હતો.
તે ગ્રૂપમાં રુદ્રેશ ઉપર મેસેજ આવ્યો હતો કે શેર માર્કેટમાં પૈસા ઈન્વેસ્ટ કરવા હોય તો રોજનો 2 ટકા નફો મળશે. જેથી રુદ્રેશભાઈએ હા લખતા તેમને બીજા એક ગ્રૂપમાં એડ કર્યા હતા. જેમાં પૂજા શર્મા અને અભિષેક શર્મા હતા. ત્યારબાદ તે ગ્રૂપમાં શેરબજારને લગતી ટિપ્સ આપતા હતા. ત્યારબાદ તે લોકોએ સેકસો બેંક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી યુઝર આઈડી અને પાસવર્ડ જનરેટ કરીને રુદ્રેશભાઈને આપ્યો હતો. જેમાં રુદ્રેશભાઈ અને તેમના મિત્રએ ઓન લાઈન રૂ.86 લાખનું રોકાણ કર્યું હતું. જેમાં એક એપમાં એકાઉન્ટમાં રૂ.2.50 કરોડનું બેલેન્સ બતાવતું હતું પણ પૈસા ઉપડી શકતા ન હતા.

Social