તથ્ય પટેલે હાર્ટની બીમારીને નામે હંગામી જામીન માગ્યા
ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલે હંગામી જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમાં એવી રજૂઆત કરી છે કે તેને હૃદય સંબંધિત તકલીફની માટે હંગામી જામીનની જરૂર છે. હાઈકોર્ટે જેલ સત્તાધીશોને તથ્યના તાજેતરમાં કરેલા તબીબી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. જેની વધુ સુનાવણી 14 જૂનના રોજ હાથ ધરાશે.
તથ્ય પટેલે ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી સારવાર માટે એક મહિનાના જામીન માગ્યા હતા. કોર્ટે તેની સારવાર યુએન મહેતા હોસ્પિટલમાં કરવા આદેશ કર્યો હતો.જેલ સત્તાધીશોએ તેના હૃદય સંબંધિત રિપોર્ટ કરાવતા તેને કોઈ તકલીફ જણાઈ ન હતી. ઇકો કાર્ડિયોગ્રામ રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. ગત જુલાઈમાં ઈસ્કોન બ્રિજ તથ્ય પટેલે બેફામ રીતે કાર હંકારી 9 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. અગાઉ તેણે સિંધુ ભવન રોડ પર એક રેસ્ટોરાંમાં કાર ઘૂસાડી હતી. તથ્યની કારની અડફેટે આવેલો એક યુવક હજુ સારવાર હેઠળ છે. તથ્ય પટેલે અગાઉ 3 વખત જામીન અરજી કરી છે.
