જમીન રખેવાળના પુત્રની ધમકી: મિલકતનો કબજો જોઈતો હોય તો પાંચ કરોડ આપો, નહીં તો હાથ પગ ભાંગી નાંખીશું
અમદાવાદમાં જમીન અને પ્રોપર્ટી પર ગેરકાયદે કબજો કરી નાંખવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવે છે. શહેરમાં એક બિલ્ડરે પોતાની ખરીદેલી પ્રોપર્ટી પોતાના પારિવારિક સબંધીને રખેવાળી માટે આપી હતી. આ મિલકતની ચોકીદારી માટે તેને માસિક 6 હજાર રૂપિયા મહેનતાણું આપવામાં આવતું હતું. પરંતુ રખેવાળ સંબધીએ આ પ્રોપર્ટીને બારોબાર ભાડા પર ચઢાવી દઈને તેની પર કબજો જમાવી લીધો હતો. આ રખેવાળના પુત્રોએ બિલ્ડરના પુત્રને ધમકી આપી હતી કે, તમારે આ પ્રોપર્ટીમાં પગ મુકવો નહીં. હાથ પગ તોડી નાંખીશું. તેમણે બિલ્ડર પાસે પ્રોપર્ટીના બદલામાં પાંચ કરોડ ખંડણી પણ માગી હતી. બિલ્ડરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગોપીજી વણઝારા બાંધકામનો વ્યવસાય કરે છે. તેમણે જુના મકાનો ખરીદીને તેની પર નવું બાંધકામ કરી વેચવાના હેતુથી તેમણે એક મિલકત ખરીદી હતી. આ મિલકતની રખેવાળી માટે તેમણે પારિવારિક સંબંધી હોવાથી લગધીરભાઈ રબારીને ચોકીદાર તરીકે માસિક 6 હજાર રૂપિયાના મહેનતાણાથી રાખ્યા હતા. બિલ્ડરે આ ચોકીદારને તેના ભાઈની દીકરીના લગ્ન વખતે પણ પૈસાની મદદ કરી હતી.માતાના મરણ વખતે પણ પૈસાની મદદ કરી હતી. તે ઉપરાંત લગધીરભાઈને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો તે વખતે પણ 50 હજારની મદદ કરી હતી. 30 ઓક્ટોબર 2021ના રોજ બિલ્ડરનો પુત્ર દિવાળી હોવાથી અંગત લોકોને મીઠાઈ આપવા જતો હતો. તે વખતે તે આ પ્રોપર્ટી પર લગધીરભાઈના દીકરાઓને પણ મીઠાઈ આપવા માટે ગયો હતો. તે વખતે લગધીરભાઈના પુત્રો જયેશ, જીગર અને ભત્રીજો ભરત રબારી ત્યાં હાજર હતાં.જયેશે બિલ્ડરના પુત્રના હાથમાંથી મીઠાઈનું પેકેટ લઈને ફેંકી દીધું હતું અને કહ્યું હતું કે, હવેથી કોઈપણ બહાને આ પ્રોપર્ટીમાં પગ મુકવાનો નહીં. નહીં તો હાથપગ ભાંગી નાંખીશું. આ મિલકતનો કબજો જોઈતો હોય તો પાંચ કરોડ આપવા પડશે. બિલ્ડરે ફરિયાદમાં કહ્યું હતું કે, આ લોકો ગેરકાયદેસર રીતે અમારી પ્રોપર્ટીમાં ભાડાકરાર બનાવી લોકોને ભાડે આપી રહ્યાં છે. પોલીસે બિલ્ડરની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
