બોપલમાં ગેરકાયદે રીતે શેર બજારના સોદા લખાવીને ડબ્બા ટ્રેડિંગ કરતા 18 વ્યક્તિઓ પકડાયા
બોપલના નીલકંઠ બંગ્લોઝમાં ગેરકાયદે રીતે મોબાઈલમાં ગ્રાહકોને ફોન કરી શેર બજારના સોદા લખાવીને ડબ્બા ટ્રેડિંગ કરી રહેલા રહેલા 18 વ્યક્તિઓને બોપલ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.5.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.આર.ઝાલા તેમના સ્ટાફ સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે સમયે બાતમી મળી હતી કે, નીલકંઠ વીલા બંગ્લોઝ ખાતે કેટલાક લોકો ભેગા થઈને મોબાઈલ ઉપર ગ્રાહકોનો સંપર્ક કરી શેર બજારના ડબ્બા ટ્રેડીંગનો ગેરકાયદે રીતે સટ્ટાનો ધંધો કરી રહ્યા છે. જેના આધારે બોપલ પોલીસે તે જગ્યાએ દરોડો પાડીને આઝાદ ઠાકોર, વિશાલજી ઠાકોર, જયેશ ઠાકોર, મૌલિક ઠાકોર, વિજયસિંહ ઠાકોર, આશિષકુમાર ઠાકોર, તિર્થ શેઠ, વિક્રમ ઠાકોર, પ્રિન્સ નાઈ, પંકજ ઠાકોર, દશરથ બાબરીયા, કિશનસિંહ ઠાકોર, મિલન પેટલ, જય જોષી, ગૌતમ ડાભી, જનક ઠાકોર, કલ્પેશ ઠાકોર અને રાહુલ ઠાકોર નામના વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. આરોપીની પૂછપરછ દરમિયાન આઝાદ ઠાકોર તેના મકાનમાં આ તમામ લોકોને બોલાવીને શેર ટ્રેડિંગના લાયસન્સ વગર ગ્રાહકોને ફોન કરીને શેર બજારના સોદાઓ લઈ શેર બજારના ભાવ કાચા કાગળ પર લખી પોતાની પાસે રાખી ગ્રાહકો સાથે શેરની લે-વેચ કરી ટેક્સની રકમ સરકારમાં નહીં ભરીને વિશ્વાસઘાત કરતા હતા. જેથી પોલીસે મકાનમાં રહેલ રોકડ સહિત કુલ રૂ.5.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે
