અમદાવાદમાં નમસ્તે સર્કલ પાસે BMW કાર ડીઝલ ભરાવતા સમયે સળગી

શાહીબાગના નમસ્તે સર્કલ પાસે એચપી પેટ્રોલ પંપની સામે એક BMW કાર એકાએક સળગી ઊઠતા ભાગદોડ મચી ગઈ હતી. કાર ઓટો લોક થઈ જતાં બે વ્યક્તિ અંદર ફસાયાં હતા. જે બાદ બન્નેએ કારના પાછળના દરવાજાથી બહાર નીકળીને જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમે સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

નમસ્તે સર્કલ ખાતે પેટ્રોલ પંપ ઉપર BMW કારમાં બે વ્યક્તિ ડીઝલ ભરાવી રહ્યાં હતા. ત્યારે બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગતા પેટ્રોલ પંપના કર્મીઓએ કારને જલ્દીથી પંપની બહાર લઈ જવા કહ્યું હતું. જેથી ચાલક કારને લઈને તુરંત બહાર જતા રહ્યાં હતા, પરંતુ બન્ને વ્યક્તિ અંદર ફસાઈ ગયા હતા. જોકે, પાછળના દરવાજાથી તેમને બહાર કાઢવામાં આવ્યાં હતા અને તેમનો જીવ બચી ગયો હતો.આગના બનાવ અંગે ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. એક તરફનો રસ્તો બંધ કરી આગ પર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગતાં આસપાસના લોકો અને રસ્તે જતાં રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Social