ગાંધીનગર પોલીસે કલોલના પાનસર રોડ પરથી ઇનોવા કારમાંથી દારૂ બિયરનાં જથ્થા સહિત રૂ. 11.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, બુટલેગર અંધારાનો લાભ લઈ ફરાર
ગાંધીનગર પોલીસે કલોલના પાનસર રોડ પરથી ઇનોવા કારમાંથી દારૂ બિયરનાં જથ્થા સહિત રૂ. 11.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કલોલના પાનસર રોડ પરથી ફિલ્મી ઢબે પીછો કરી ઇનોવા કારમાંથી 514 નંગ દારૂ અને બિયરના જથ્થા સાથે કુલ રૂ. 11.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ બુટલેગર અંધારાનો લાભ લઈ ગાડી બિનવારસી મૂકીને નાસી જવામાં સફળ રહ્યો હતો.
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચને મળેલ બાતમી આધારે એલસીબીની ટીમે પાનસર – જુલાસણ તરફના રોડ ઉપર વોચ ગોઠવી દીધી હતી.બાદમાં બાતમી મુજબની કારને ઉભી રહેવાનો ઈશારો કરતા તેના ચાલકે કારને પાનસર ગામમાં થઈ ધમાસણા તરફ હંકારી મુકી હતી. જેથી એલસીબીની ટીમે ખાનગી વાહનોમાં કારનો ફિલ્મી ઢબે પીછો શરૂ કરી દીધો હતો. પરંતુ ચાલકે ઈનોવા ગાડી ધમાસણા થઈ તેરસા પરા ચોકડીથી ગાંધીનગર તરફ જવા દીધી હતી. અને થોડે આગળ રસ્તો બંધ થઇ જતા ઈનોવા ગાડીનો ચાલક પોતાની ગાડી મુકી અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. જ્યારે એલસીબીએ ગાડીની તલાશી લેતાં અંદરથી રૂ. 1.17 લાખની કિંમતની વિદેશી દારૃ – બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેનાં પગલે એલસીબીએ કુલ રૂ. 11.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
