રાજ્યના 15 મોટા વોટરપાર્કમાં GST વિભાગના દરોડા : 57 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળ્યા

રાજ્યના 15 મોટા વોટરપાર્કમાં GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, નવસારી સહિત બનાસકાંઠામાં દરોડા પાડવામાં આવ્યા છે. તેમજ આ દરોડામાં 57 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળ્યા છે. GST વિભાગે રાજ્યના 15 વોટર પાર્કમાં દરોડા પાડ્યા છે જેમના નામો સામે આવી ચૂક્યા છે, જેમાં અમદાવાદના ફ્લેમિંગો વોટર પાર્ક & રિસોર્ટમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ સિવાય અમદાવાદના 7S વોટર પાર્ક એન્ડ એડવેન્ચરમાં તપાસ ચાલી રહી છે. ત્યારબાદ અમદાવાદના જલધારા વોટર વર્લ્ડ, સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક, હિંમતનગરના વોટર વીલે, સુસ્વા વોટર પાર્ક, મહેસાણાના બ્લિસ એક્વા, શ્રીગણેશા ફનવર્લ્ડ, નવસારીના મોદી વોટર રિસોર્ટમાં GSTના દરોડા પાડવામાં આવ્યા છે.
15 વોટર પાર્કમાં GST વિભાગના દરોડામાં કોચ્યુમ લોકર, અન્ય એસેસરીઝના રોકડ વ્યવહાર સામે આવ્યા છે. રૂમ ભાડાની રકમ QR કોડ થકી સગાંના ખાતામાં મોકલાતી હોવાનો ખુલાસો થયો છે. પ્રવેશ મેળવનારની એન્ટ્રી ન દર્શાવી કરચોરી પણ થતી હોવાનું ખૂલ્યું છે. તપાસમાં મોટી કરચોરી મળવાની સંભાવના છે. રીસોર્ટ તેમજ રૂમ્સના ભાડાની વસુલાત માટે ગ્રાહકો QR કોડ સ્કેનરથી પેમેન્ટ કરે તેવા કિસ્સામાં વેચાણો છુપાવવાના આશયથી પેઢીના કર્મચારી અથવા કોઈ સંબધી/ત્રાહિત વ્યક્તિના QR કોડથી તેમના બેંક એકાઉન્ટમાં પેમેન્ટ જમા લેવામાં આવે છે. વોટર પાર્કમાં પ્રવેશ માટે લેવામાં આવતી GST સહિતની એન્ટ્રી ફી હિસાબી ચોપડે ન દર્શાવી કરચોરી આચરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું છે.તપાસની કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં બિન હિસાબી વ્યવહારોને લગતા દસ્તાવેજો અને પુરાવાઓ મળી આવ્યા છે. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં કરચોરી તથા GSTની વધુ કરચોરીનો આંકડો ઉજાગર થાય તેવી સંભાવના છે.

Social