બુદ્ધિ આપણી સમસ્યાઓ ઉકલશે નહીં.

આપણી આસપાસના મોટા ભાગના લોકો આ અસાધારણ વિશ્વ પ્રત્યે બહુજ બેપરવા હોય છે. આપણે ક્યારેય પવનમાં ઝૂલતાં પાંદડાને પણ નથી જોતા. આપણે લીલા છમ્મ ઘાસ તરફ ધ્યાન નથી આપતા. તેને આપણા હાથથી સ્પર્શતા નથી અને તેના અસ્તિત્વની ગુણવત્તાને પણ નથી જાણતા. આ કોઈ કાવ્યાત્મક કલ્પના નથી, તો કૃપા કરી કલ્પના કરવામાં કે ભાવાવસ્થામાં ડૂબી ન જતા. હું એમ કહું છું કે જીવન માટે એ ઊંડી લાગણી હોવી એ અનિવાર્ય છે અને બુદ્ધિની જટિલતામાં, ચર્ચામાં, પરીક્ષાઓ પાસ કરવામાં ઉદાહરણ આપવામાં અને કોઈ નવી વાતને ‘આતો જૂની વાત છે’ એમ કહીને તેને ન સાંભળવામાં ફસાયા વગર જીવન પ્રત્યે ગહન સંવેદના હોવી જરૂરી છે ; બુદ્ધિ આપણી સમસ્યાઓ ઉકલશે નહીં ; બુદ્ધિ આપણને કાયમી પોષણ નહીં આપે બુદ્ધિ તર્ક દર્શાવી શકે, ચર્ચા કરી શકે, વિશ્લેષણ કરી શકે. તે અનુમાન કરીને કોઈ તારણ ઉપર લાવી શકે વગેરે વગેરે. પરંતુ બુદ્ધિ મર્યાદિત છે. કારણકે તે આપણા પૂર્વ સંસ્કારોનું અનુબંધન છે. પરંતુ સંવેદનશીલતાની બાબતમાં એવું નથી. તેને પૂર્વ સંસ્કારોનું બંધન નથી, તે તમને ભય અને ચિંતાના ક્ષેત્ર માંથી તરત બહાર લઇ આવે છે. જે મનમાં આસપાસની બાબતો વિષે સંવેદના નથી, પેલા પહાડ, ટેલિફોનનો થાંભલો, દિપક, ધ્વનિ, લોકોનું હાસ્ય એવી બધીજ બાબત પ્રત્યે એવું અસંવેદનશીલ મન સત્યને શોધવા અસમર્થ છે.
આપણે આપણા દિવસો અને વર્ષો બુદ્ધિ કેળવવામાં ગાળીએ છીએ, દલીલો કરવામાં, ચર્ચા કરવામાં નિર્ણયો લાદવામાં, કાંઈક બનવામાં સંઘર્ષમાં ગાળીએ છીએ, અને તેમ છતાં આ અસાધારણ અદભુત વિશ્વ આ ધરતી કે જે આટલી સમૃદ્ધ છે. મુંબઈની ધરતી કે પંજાબની ધરતી, રશિયાની ધરતી, કે અમેરિકાની ધરતી નહીં – આ ધરતી આપણી છે. તમારી અને મારી અને તે અર્થહીન ભાવુકતા નથી, તે હકીકત છે. અને કમનસીબે આપણે તેને આપણી તુચ્છભાવનાથી, પ્રાંતવાદથી ( સંકુચિતતાથી ) વિભાજીત કરી નાખી છે. અને આપણે જાણીએ છીએ કે તેવું શા માટે કર્યું છે. આપણી સલામતી માટે વધારે સારી નોકરી, અને નોકરીની વધારે તકો મેળવવા માટે, આ રાજકારણની રમત સમસ્ત વિશ્વમાં સર્વત્ર રમાય છે. તેથી આપણે માનવી છીએ અને આપણે આપણી આ ધરતી ઉપર, સુખેથી જીવવાનું છે એ વાત ભૂલી ગયા છીએ તેમજ આપણા જીવનને કાંઈક જીવવા લાયક બનાવવાનું છે એ વાત પણ ભૂલી ગયા છીએ.
બુદ્ધિ લાગણીને ભ્રષ્ટ કરે છે.
તમે જાણો છો, બુદ્ધિ છે અને શુદ્ધ લાગણી છે, કોઈકને પ્રેમ કરવાની, સાચી ભાવનાવાળી શુદ્ધ લાગણી છે. બુદ્ધિ તર્ક કરે છે, ગણતરી કરે છે. તોળે જોખે છે. બરોબર છે કે નહીં તે જુએ છે તે પૂછે છે શું આ યોગ્ય છે ? શું તે મને ફાયદો આપશે ? જયારે બીજી બાજુ શુદ્ધ ભાવના છે. અસાધારણ લાગણી છે. આકાશ માટે, તમારા પાડોશી માટે, તમારી પત્ની માટે કે તમારા પતિ માટે, તમારા બાળકો માટે, આ વિશ્વ માટે, વૃક્ષના સૌંદર્ય માટે વગેરે વગેરે. જ્યારે આ બંને ભેગા થાય છે ત્યારે ત્યાં મૃત્યુ છે. જયારે શુદ્ધ ભાવના બુદ્ધિ વડે ભ્રષ્ટ થાય છે ત્યારે તે મધ્યમાર્ગ બની જાય છે. આજ તો આપણામાંના મોટા ભાગના લોકો કરી રહ્યા છે. આપણા જીવન સાધારણ છે કારણકે આપણે હંમેશા ગણતરી કરતા, ખુદને પૂછીએ કે શું તે યોગ્ય છે, આપણને કેટલો ફાયદો થશે માત્ર પૈસાની બાબતમાં જ નહીં પરંતુ આ તથા કથિત આધ્યાત્મિક વિશ્વમાં પણ ‘ જો હું આ કામ કરું તો શું મને તે મળશે ?
સમજણનો ઝબકારો
જયારે મન ખુબ જ શાંત હોય ત્યારે સમજણ હોય છે. જયારે વિચાર શબ્દોમાં વ્યક્ત થયો હોતો નથી ત્યારે, જયારે તમારું મન ખુબજ શાંત હોય ત્યારે, જયારે તેમાં વિચારની ગેરહાજરી હોય ત્યારે, જયારે મન ખુદ પોતાની ધમાલના ઘોંઘાટના બોજ હેઠળ દબાયેલું ન હોય ત્યારે સમજણનો ઝબકારો થાય છે. તે પ્રયોગ કરી જુઓ. તમને ખુદને જણાશે કે તમારામાં સમજણનો તે ઝબકારો થાય છે. એ ઝબકારો અસાધારણ સમજણનો અંતર દ્રષ્ટિની ઝડપનો છે. આમ કોઈ પણ બાબતની સમજણ -આધુનિક ચિત્રની બાળકની , તમારા પત્નીની, તમારા પાડોશીની અથવા સત્યની સમજણ, જે બધી જ બાબતમાં એ સમજ સમાવિષ્ટ છે ત્યારે જ આવી શકે કે જયારે મન ખુબ શાંત હોય પરંતુ આવી શાંતિ કેળવી શકતી નથી. કારણકે જો મનને શાંત કરવા માટે, કેળવવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે શાંત નથી રહેતું તે મન નિષ્પ્રાણ થઇ જાય છે.
કોઈ બાબતમાં તમે વધારે રસ દર્શાવો તો એનો અર્થ એકે તે બાબતને સમજવાનો તમારો આશય છે. અને ત્યારે તમારું મન વધારે મુક્ત, વધારે સરળ, વધારે સ્પષ્ટ હોય છે. છેવટે તો વિચાર શબ્દ જ છે. સ્મૃતિ તો શબ્દોનું આવરણ છે. તે પડકાર અને પ્રતિભાવની વચ્ચે આવી દખલગીરી કરે છે. પડકારનો પ્રતિભાવ શબ્દ આપે છે. અને તેને આપણે બુદ્ધિ પૂર્વકનો વિચાર કહીએ છીએ. આમ બડબડકરતું મન શબ્દોમાં વ્યક્ત કરતું મન સત્યને સમજી શકે નહીં. સંબંધોમાં રહેલું સત્ય, કોઈ અમૂર્ત સ્વરૂપનું સત્ય નહીં; અમૂર્ત સત્ય છે જ નહીં. પરંતુ સત્ય ખુબ સૂક્ષ્મ છે. તેનો પીછો કરી શકાય નહીં. તે લાગણી શીલ કે ભાવનાત્મક નથી.
તમે જયારે સત્યને પામવા બેઠા હો ત્યારે તેનાથી આવતું તેને મન થકી પકડી શકાય નહીં. પરંતુ જેમ અંધારી રાત્રિએ ચોર આવે તેમે તે ગુપચુપ અંધકારમાં ત્વરા થી આવે છે.
તમે ત્યારે જ ‘સ્વ’ ને ઓળખી શકો
જયારે તમે સ્વયં પ્રતિ અસાવધ હો, ગણતરી ન કરતા હો, રક્ષણ ન કરતા હો, જયારે તમે સતત પહેરા પહેરા ભરત ના હો, પરિવર્તન કરવા માટે કે નિયંત્રિત કરવા માટે સતત મન ને દોરવાતા ના હો અને જયારે તમે ખુદને સાવ અચાનક નીરખો એટલે કે જયારે તમારા મનમાં પોતાને વિષે કોઈ પૂર્વ ધારણા ના હોય, જયારે મન ખુલ્લું હોય, જયારે તેણે અજ્ઞાતનો સામનો કરવા માટે કોઈ પૂર્વ તૈયારી ન કરી હોય ત્યારે જ તમે ‘સ્વ’ ને જાણી શકો.
‘ The Book of Life by J.Krishna Murti’ માંથી સાભાર.

Social