70 ટકા નફો આપવાની લાલચ આપી કરોડોની ઠગાઈ કરનાર બંટી બબલીની ધરપકડ

કંપનીમાં રોકાણ કરાવી 70 ટકા નફો આપવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપીંડી આચરનાર બંટી બબલીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. પતિ પત્નીએ ભેગા મળીને ન માત્ર અમદાવાદ પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં અનેક લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. અને કરોડોની રકમ મેળવી રોકાણકારોને પરત ન આપી ઠગાઈ આચરી હતી. જે મામલે મુંબઈમાંથી ટ્રાન્સફર વોરંટથી પતિ પત્નીની ધરપકડ કરાઈ છે.

ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગત 16મેના રોજ એક ઠગાઈની ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં જગતપુર રોડની ગણેશ જીનેસિસમાં રહેતા નિવૃત સરકારી કર્મચારી શોભનાબેન મહેતા સાથે 25 લાખની ઠગાઈ થઈ હોય તેને લઈને ગુનો નોંધાયો હતો. ફરિયાદી નિવૃત થયા હોય તેઓને મોટી રકમ મળી હતી. તે સમયે તેઓને મિત્ર સર્કલ તરફથી જાણ થઈ હતી કે DIFM નામની એપ્લીકેશનમાં રોકાણ કરવાથી સારૂ વળતર મળે છે. જેથી તેઓએ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. જે એપ્લીકેશનના રજીસ્ટર કરતા બ્લીઝ કંસ્લટન્ટ કંપનીથી મેસેજ આવ્યો હતો. આશિષ મહેતા અને શિવાંગીની મહેતા દ્વારા તેઓને મેઈલમાં રોકાણ માટેની શરતો મોકલી હતી. રોકાણમાં 70 ટકા રોકાણકાર અને 30 ટકા કંપનીને નફો મળશે તેવી બાબતો જણાતા તેઓએ 25 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જે બાદ તેઓને પૈસાની જરૂર પડતા તેઓએ ઉપાડવાનો પ્રયાસ કરતા પૈસા ઉપડ્યા ન હતા. અને આ બન્ને આરોપીઓના ફોન બંધ થઈ જતા તેઓને આ કંપની ઉઠી ગઈ હોવાની જાણ થઈ હતી. ઘટનાને લઈને પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરી હતી. આ ગુનામાં સામેલ આશિષ મહેતા અને શિવાંગીની મહેતા મુંબઈના રહેવાસી છે. જોકે આ આરોપીઓ સામે મુંબઈ આર્થિક ગુના નિવારણ શાખામાં પણ ઠગાઈનો ગુનો નોંધાયો હતો. જે મામલે આ બન્ને આરોપીઓની ધરપકડ કરાઈ હતી તેમજ કંપનીના ખાતામાં રહેતા અંદાજે 160 કરોડથી વધુ રૂપિયા પણ ફ્રિજ કરવામાં આવ્યા છે. આ ઠગ દંપતીએ 200 કરોડ રૂપિયાની છેતરપીંડી આચરી હોય તેવી હકિકત પોલીસ તપાસમાં ખુલી છે.

આ બંટી બબલી સામે ગુજરાતમાં બનાસકાંઠાના ધાનેરા તેમજ અમદાવાદનાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદો નોંધાઈ છે. તેમજ મુંબઈ અને પંજાબમાં ફરિયાદો નોંધાઈ છે. આ ગુનાનો માસ્ટર માઈન્ડ આશિષ મહેતા હોય પોલીસે તેની વધુ પુછપરછ હાથ ધરી છે. આરોપીઓ લોકો પાસેથી રોકાણના નામે પૈસા પડાવી વૈભવી જીવન જીવતા હતા જેથી મુંબઈ આર્થિક ગુના નિવારણ શાખાએ તેઓની મિલ્કત પણ સીઝ કરી છે. તેવામાં અમદાવાદ પોલીસે પણ આરોપીઓની તપાસ હાથ ધરી છે, ત્યારે જોવાનું રહ્યું કે આ તપાસમાં કેવા ખુલાસા થાય છે.

Social