ભગવાન ની કૃપા.
કોઈના પ્રતિ દયા, માયા, સહાનુભૂતિ, અને નમ્રતા દર્શાવવી એ બહુ ઓછા જોવા મળતા ગુણો પૈકીનો એક ગુણ છે. આપણી પાસે સક્રિય બનવા અને નિરંતર બદલાતા રહેતા આ વિશ્વને સ્વીકારવા માટે એક જ રસ્તો છે અને તે એ છે કે આપણે એકબીજા સાથે ઉદાર બનતા શીખીએ. કૃપા જેવા સરળ શબ્દનો ઉપયોગ સમગ્ર પરિસ્થિતિ બદલી શકે છે. આપણે બધા અજાણીએ પણ આપણી પોતાની જાત સાથે જ ઓતપ્રોત હોઈએ છીએ. જો આપણે પાછું વળીને કોઈ ત્રીજી વ્યક્તિની દ્રષ્ટિએ પોતાને જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે આપણે પોતાની જ વાતો કરતા હોઈએ છીએ. આપણે એ સતત વિચારવું જોઈએ કે ભગવાન કેટલા દયાળુ છે. ભગવાનની અસીમ કૃપા આપણા ઉપર છે. જો તે ભારતના વડાપ્રધાન હોય કે રોડ પરના કોઈ સામાન્ય વ્યક્તિ. તમને યાદ કરાવું તમે જો કદાચ ચૂંટણીના પરિણામ પછીનું આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનું ભાષણ સાંભળ્યું હોય તો તેઓ ખૂબ જ ભાવુક થઈને બોલેલા આ મારી માતાના નિધન પછીનું પહેલું ઇલેક્શન છે પરંતુ જો તેમના માતૃશ્રી હીરાબાની કૃપા તેમના પર ન હોત તો કદાચ સતત ત્રીજીવાર વડાપ્રધાન બનવું અઘરું બની ગયું હોત. ભગવાનની કૃપા આપણા ઉપર ના હોય તો જીવન ખૂબ જ મુશ્કેલ હોય છે. તમે ખરેખર તમારી જાતને પૂછો કે ઈશ્વરની કૃપા તમારા ઉપર કેટલી છે? ભગવાન ખૂબ જ દયાળુ છે ભાઈ. આપણા અવરોધો, આપણા સપનાઓ, આપણા લક્ષ્યો, આપણી મહત્વકાંક્ષાઓ, આપણી ખામીઓ, અને આપણી ખૂબીઓ, આપણી જરૂરિયાતો, આ ખરેખર ક્યારેય પૂરું થાય તેમ નથી. કૃપા શબ્દનો વારંવાર ઉપયોગ તમારી નમ્રતાનું તમારું માન દર્શાવે છે. કૃપા બધાને ખુશ કરે છે, તે એક કર્ણ પ્રિય શબ્દ છે. આપણા માતા પિતાની કૃપા હંમેશા આપણા ઉપર રહેતી જ હોય છે. મારા માતા પિતા પાસેથી મને વારંવાર સાંભળવા મળતું “ભગવાન બહુ દયાળુ છે” આપણા માતા-પિતા જો કદાચ આ દુનિયામાં હયાત ન હોય તો પણ એક ઊર્જાના સ્વરૂપમાં સતત તેમની કૃપા આપણી સાથે જ રહેતી હોય છે. ઘણા બધા વ્યક્તિઓને કદાચ ના પણ સમજાય પણ આ સમજવા માટે પણ એક સમજ હોવી જરૂરી છે. જીવનમાં જો ખુબજ પ્રગતિ કરવી હોય તો દાદા દાદીના પગ દબાવો અને તમારા મા બાપની સેવા કરો. હા, પ્રેક્ટીકલ બાબત છે પણ ખૂબ આગળ નીકળી જશો જેમાં કોઈ શંકા ને સ્થાન નથી.
