સાયબર ઠગે એન્જિનિયરને 26 લાખનો ચુનો લગાવ્યો
સાબરમતી ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL)માં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા મનોજ મનસુખલાલ કણસાગરા ચાંદખેડાના ઉમિયા તીર્થ એવન્યુમાં રહે છે. મનોજ 8 ડિસેમ્બરે પોતાના ઘરે બેસીને ફેસબુક ચેક કરતો હતો. ત્યારે તેના પર શેરબજારની લોભામણી જાહેરાત આવી હતી. જાહેરાત જોઇ લિંક ક્લીક કરતા વોટ્સએપ ગ્રુપમાં તેને એડ કરવામાં આવ્યો હતો. જેમાં બિશનુ શાહ બધાને શેરબજાર અંગેની સલાહ આપતો હતો. બધા તેને ગ્રુપમાં ટીચર કરીને સંબોધતા હતા. તેના સહાયક તરીકે ગાયત્રી દેવી હતી.
ત્યાર બાદ મનોજને બીજા એક ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. જેમાં પણ શેરબજારમાં રોકાણ માટેની જુદી જુદી સ્ક્રીપ્ટ મુકવામાં આવતી હતી. મનોજને વિશ્વાસમાં લઈને ઠગ ટોળકીએ તેના તમામ ડોક્યુમેન્ટ્સ મેળવી લીધા હતા અને પ્લે સ્ટોર પરથી કરમા કેપિટલ આઇઇ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. આ એપ્લિકેશન પર તેણે શેરબજારમાં રોકાણ માટે રૂપિયા જમા કરાવ્યા હતા. જો કે, એપ્લિકેશનમાં રૂપિયા વિડ્રો કરવાની સુવિધા જ નહોતી.એપ્લિકેશન અંગે તપાસ કરતા મનોજને જાણવા મળ્યું હતું કે, આ એપ્લિકેશન શેરબજારની કોઈ જ ખરીદી કે વેચાણ કરતી જ નથી. ત્યારે મનોજે ભરેલા રૂપિયા 18 લાખ પરત લેવા પ્રયાસ શરૂ કર્યો હતો. રૂપિયા પરત લેવા માટે તેણે તમામ લોકોને ફોન કરતા તેને ગ્રુપમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો અને જો રૂપિયા પરત જોઈતા હોય તો પહેલાં ચોક્કસ રૂપિયા ભરો તેમ કહેવામાં આવ્યું હતું.પોતાના જ રૂપિયા પરત લેવા માટે મનોજે ઠગ ટોળકીના આદેશ મુજબ વારંવાર રૂપિયા ભર્યા અને આખરે ઇન્ટરનેટ પર કંપની વિશે ચકાસણી કરતા જાણવા મળ્યું હતું. તેણે જે એપ્લિકેશન ડાઉનલોડ કરી છે તે હકીકતમાં કંપનીની કોઇ એપ્લિકેશન જ નથી. પરંતુ ચોક્કસ ઠગ ટોળકી લોકોને આવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેના નામે રૂપિયા પડાવે છે. જેને પગલે મનોજને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેણે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ આદરી છે.
