અમદાવાદમાં PGમાં રહેતા અરૂણાચલ પ્રદેશના યુવકનું મોત
એલિસબ્રિજમાં પેઈનગેસ્ટમાં રહેતા યુવાનનું વહેલી સવારે મોત થયું છે. વિદ્યાર્થી રાતે સૂઇ ગયો હતો. ત્યાર બાદ તે સવારે ઉઠ્યો જ નહોતો. જેથી તેના સાથેના વિદ્યાર્થીએ શંકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીનું કુદરતી મોત થયું હોવાનું સામે આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.
પ્રીતમનગર ગાર્ડન પાસે આવેલા હર્ષ એપાર્ટમેન્ટના PGમાં અરૂણાચલ પ્રદેશનો 24 વર્ષીય દિવ્યેશ બિશનોઈ નામનો વિદ્યાર્થી રહેતો હતો. દિવ્યેશ અમદાવાદમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે રાતે દિવ્યેશ સૂઈ ગયો હતો. ત્યાર બાદ સવારે મોડા સુધી ઉઠ્યો નહોતો. જેથી તેના સાથેના વિદ્યાર્થીએ દિવ્યેશને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે ઉઠ્યો નહોતો. અને મૃત્યું થયું હોવાની જાણ થઈ હતી. જેથી તેના મિત્રએ પોલીસને જાણ કરી હતી.પોલીસે સૌ પ્રથમ આત્મહત્યા અંગે તપાસ કરી હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં આત્મહત્યા નહીં પરંતુ કુદરતી મોત થયું હોવાનું જાણવા મળ્યું. જો કે, મોતના ચોક્કસ કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.
