લોકોના જીવ જોખમમાં મૂકીને બસ ચલાવનાર ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી
શહેરના એસ.જી. હાઇ-વે પર લોકોના જીવના જોખમમાં મૂકીને બસ ચલાવનાર ડ્રાઈવરનો વીડિયો સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતાં ટ્રાફિક પોલીસે વીડિયોના આધારે લકઝરીના ડ્રાઇવર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. આ વીડિયો મુજબ શ્રી રામ ટ્રાવેલ્સની લક્ઝરી બસનો ચાલક પકવાન બ્રિજ પાસેથી રોંગ સાઈડમાં યુ ટર્ન લઇને લોકોના જીવને જોખમમાં મૂકી લક્ઝરી બસ ચલાવી રહ્યો હતો.સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં સફેદ કલરની શ્રી રામ લખેલી ટ્રાવેલ્સની લક્ઝરી બસ પકવાન બ્રિજના છેડાથી યૂ ટર્ન લઈ રોંગ સાઈડમાં આવી રહી હતી.
ડ્રાઇવરે રોંગ સાઈડ પર યૂ ટર્ન લઈને રસ્તા પર જતા લોકોના તથા બસના મુસાફરોનો જીવ જોખમમાં મૂકીને બસ ચલાવતો હોવાનો વીડિયો વાઈરલ થતા ટ્રાફિક પોલીસ દ્વારા બસના નંબરના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં બસના ડ્રાઇવર સામે પોલીસે ગુનો નોંધી ડ્રાઇવરની ધરપકડ કરી છે, જ્યારે લક્ઝરી બસને ડીટેન કરવામાં આવી છે.
