દાણીલીમડામાં મિત્રે ત્રણ શખ્સો સાથે મળીને યુવકને ચપ્પુના ઘા માર્યા
દાણીલીમડામાં મિત્રે યુવકનો મોબાઇલ લઇને પોતાની પાસે સંતાડી દેતા ઝઘડો થયો હતો. ત્યારે તેની અદાવત રાખીને મિત્રે તેના ભાઇ, કાકા અને અજાણ્યા શખ્સ સાથે મળીને યુવકને છરીના ઘા માર્યા હતા. આ અંગે યુવકે ચાર શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
ઇસનપુરમાં રહેતા જીગર ભીલ છુટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 16 જૂને તે મિત્ર મહાવીર સિંગલ સાથે ભીલવાસ પાસે બેઠો હતો. ત્યારે જીગરનો ફોન મહાવીરે લઇને પોતાની પાસે સંતાડી દીધો હતો. જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ મહાવીર ફોન આપીને ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ બીજા દિવસે જીગર મહાવીરના બાજુમાં રહેતા તેના મિત્રના ઘરે ગયો હતો. જેથી મહાવીરે તેને જોઇ જતા જૂના ઝઘડાની અદાવત રાખીને ઝઘડો કર્યો હતો. આ દરમ્યાન મહાવીરના કાકા ત્યાં આવી જતા તેને લઇ ગયા હતા. ત્યારબાદ સાંજના સમયે જીગર શાહઆલમ ટોલનાકા પાસે ઉભો હતો ત્યારે મહાવીર, તેનો ભાઇ શૈલેષ, તેના કાકા અને અજાણ્યો એક શખ્સ હાથમાં પંચ અને છરી લઇને આવ્યા હતા અને જીગર પર હુમલો કર્યો હતો. તેમજ માર પણ માર્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા જીગરને છોડાવ્યો હતો અને ચારેય શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા. તેમજ જીગરને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે જીગરે ચારેય શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
