અમદાવાદમા ત્રણ હત્યા થતા ચકચાર: ગોમતીપુરમા જૂના ઝગડાનું સમાધાન કરવા જતાં ગેંગવોર, બે વ્યક્તિની હત્યા

અમદાવાદમાં ત્રણ હત્યાના બનાવને પગલે કાયદો અને વ્યવસ્થા સામે નવા પડકારો ઉભા થયા છે. ત્યારે ગોમતીપુર વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતનું સમાધાન કરવા માટે બોલાવવામાં આવતાં આરોપીઓ તલવારો સાથે પહોંચ્યા હતાં. જે બાદ સમાઘાનની જગ્યાએ એકબીજા પર તલવારોથી ખૂની હુમલો કર્યો હતો. જેમાં બે લોકોના મોત નીપજ્યાં અને એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા હતા.આ અંગે પોલીસે એકની ધરપકડ કરી હતી.

ઇમ્તીયાઝ અંસારી રિક્ષા ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા મિત્ર આમીર ઉર્ફે ભાંજા ઇસ્લામુદ્દિન અંસારી અને કામીલ શકીલ અહેમદ મણીયારને અગાઉના ઝઘડાની અદાવત ચાલતી હતી. જેથી રાત્રે આશરે સાડા અગિયારેક વાગ્યે હું, મારો મિત્ર આમીર, તબરેજખાન અહેમદઅલી પઠાણ, સમીર, ઇલીયાસ અને તબરેજના મિત્રની સાથે ચતુરસિંગની ચાલી ચાર રસ્તા પાસે તલવારો સાથે ભેગા થયા હતા. તે દમિયાન આમીરના મોબાઇલ ઉપર કામીલ મણીયારે ફોન કરીને કહ્યું હતું કે, અગાઉ ઝઘડો થયો હતો, જેનું સમાધાન માટે મારો ભાઈ સમીર અહેમદ તમને અમારા ઘર પાસે બોલાવે છે.જેથી અમે તમામ વીર અબ્દુલહમીદ એપાર્ટમેન્ટ ગયા હતાં. તે વખતે ત્યાં સમીર અહેમદ શકીલ અહેમદ મણીયાર તેમજ તેના ભાઇઓ કામીલ શકીલ અહેમદ મણીયાર અને સાહિલ શકિલ અહમદ મણીયાર હાજર હતા. અમારી પાસે તલવારો હોવાથી કામીલ અને તેનો ભાઈ સમીર અહેમદ સાથે આમીરે વાતચીત કરી હતી, પરંતુ કોઈ સમાધાન થયું નહોતુ. જેથી આમીર તથા અમે બધા મિત્રો અમારી પાસેના હથિયારો સાથે કામીલ અને તેના ભાઈઓને મારવા જતા કામીલ અને તેના બન્ને ભાઈ સાથે ઝપાઝપી થઈ અને બુમાબુમ થતા એપાર્ટમેન્ટમાં રહેતા કેટલાક માણસો પણ આવી ગયા હતા. જેથી અમો રોડ ઉપર અમારા પોત પોતાના હથિયારો સાથે ભાગ્યા તે દરમિયાન કામીલ અને તેના બન્ને ભાઈ સમીર અહેમદ અને સાહિલ પોતાની પાસેની લોખંડની પાઇપ લઈ અમારી પાછળ દોડ્યા હતાં. હાથીખાઇ બગીચા પાસે આવતા મારા મિત્ર આમીર ભાંજા પાસેની તલવાર સમીર અહેમદે ઝુટવી લઈ મારા મિત્ર આમીર ઉર્ફે ભાંજાને શરીરે ઉપરાછાપરી ઘા માર્યા હતા.

   જેથી આમીર ઉર્ફે ભાંજા લોહીલુહાણ હાલતમા નીચે પડી ગયો હતો. હું અને તબરેજખાન બન્ને આમીરને છોડાવવા જતા કામીલે પણ મારા હાથમાની તલવાર ઝૂટવી લેતા હું અને તબરેજ ભાગતા કામીલે અમારો પીછો કરી તબરેજને પકડી લીધો હતો અને તબરેજને છાતીના ભાગે એક ઘા મારી દીધો હતો. જેથી હું અને સમીર, ઇલીયાસ અને તબરેજનો મિત્ર ભાગવા જતા કામીલ મારી પાછળ દોડી મને મારા માથાના પાછળના ભાગે એક ઘા મારી દેધો હતો. જેથી હું ભાગવા જતા નીચે પડી ગયો તે દરમિયાન સાહિલ મણીયારે પણ મને લોખંડની પાઇપથી જમણા પગના ઘૂંટણના ભાગે ફટકો માર્યો હતો. જેથી મેં બુમાબુમ કરતા સમીર, ઇલીયાસ અને તબરેજનો મિત્ર ભાગી ગયા હતા. આ બાબતે ગોમતીપુર પોલીસે સમીર નામના આરોપીને ઝડપી પાડયો હતો.
Social