ત્રાગડના નિવૃત બેન્કકર્મી પાસે શેરબજારમાં રોકાણના બહાને ગઠિયાઓએ રૂ. 52.95 લાખ પડાવ્યા

ત્રાગડના નિવૃત બેન્કકર્મીને શેર બજારમાં રોકાણ કરવાથી સારો નફો થશે તેવી લોભામણી લાલચ આપીને ગઠિયાઓએ રૂ. 52.95 લાખ પડાવ્યા હતા. જેમાં વૃધ્ધને વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને રોકાણની ટીપ્સ આપતા હતા. જે બાદ ગઠિયાઓએ એપ્લીકેશન લીંક મોકલીને એકાઉન્ટ ખોલાવીને બજાર કરતા 20 ટકા ઓછા ભાવે શેર આપીશુ કહીને રોકાણ કરાવ્યુ હતુ. પરંતુ એલોટ શેર પેટે વધુ રૂપિયાની માંગણી કરતા ઠગાઇ થઇ હોવાની જાણ થઇ હતી. આ અંગે નિવૃત બેન્કકર્મીએ ગઠિયાઓ સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

ત્રાગડમાં રહેતા 67 વર્ષીય અશોકકુમાર પંડ્યા વર્ષ 2002માં બેન્કમાંથી નિવૃત થયા હતા. ગત 28 એપ્રિલે તેમને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં સ્ટોક માર્કેટમાં સારો નફો કરાવવા મદદ કરશે. જેથી વૃધ્ધે ફોન કરતા રિસિવ કર્યો ન હતો. બાદમાં ગઠિયાઓએ વૃધ્ધને વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા. ત્યારબાદ ગ્રુપમાં શેર બજારને લગતી ટિપ્સ આપવામાં આવતી હતી. જેમાં તે ગ્રુપમાં અન્ય સભ્યો સારો નફો થયો તેમ જણાવતા હતા. જેથી વૃધ્ધે થોડા દિવસ રાહ જોઇ હતી. બાદમાં તેમને વિશ્વાસ આવતા તેમને ગઠિયા સાથે રોકાણ કરવા વાત કરી હતી. જેથી ગઠિયાએ ફોર્મની લીંક મોકલી હતી જેમાં તમામ વિગતો ભરાવી હતી. જે બાદ ગઠિયાઓએ એપ્લીકેશન લીંક મોકલી એકાઉન્ટ ખોલાવ્યુ હતુ. ત્યારબાદ ગઠિયાઓએ તેમને લાલચ આપીને બજાર કરતા 20 ટકા ઓછા ભાવે શેર આપીશુ કહીને થોડુ રોકાણ કરાવ્યુ હતુ. જેથી તેનો નફો સારો થતા વૃધ્ધે ટુકડે-ટુકડે કુલ રૂ. 52.95 લાખનું રોકાણ કર્યુ હતુ. તેની સામે તેમને એકાઉન્ટમાં એક કરોડથી વધુ નફો બતાવતા હતા. જે બાદ એલોટ શેર પેટે ગઠિયાએ વધુ રૂ. 2 કરોડ માંગતા વૃધ્ધને તેમની સાથે ઠગાઇ થઇ હોવાની જાણ થઇ હતી. આ અંગે વૃધ્ધે અજાણ્યા ગઠિયાઓ સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

Social