પસ્તી વાળા નો વિચાર
તો પાવરફુલ હતો હો ……
આજના લેખમાં મને થયેલા એક અકલ્પનીય અનુભવ ની વાત આપની સાથે શેર કરવી છે આ એક એવો અનુભવ હતો કે જે મારી કલ્પના બહાર નો હતો. આ અનુભવ ની વાત મેં સાંભળી પણ આજે એનો સાક્ષાત્કાર પણ થય ગયો. કહેવતો સાંભળવી અને તેનો અનુભવ થવો એ બંને અલગ અલગ બાબત છે. જેમકે કહેવાય છે કે “ભૂખ્યા ને વાસી રોટલો પણ મીઠો લાગે”. આ કહેવત સાંભળવા માટે ઠીક છે પણ તેનો અનુભવ કરવો હોય તો એમની માટે ભૂખ્યા રહેવું પડે અને પછી એ રોટલો મળે ત્યારે એ કહેવત નો સાચો મતલબ અને મર્મ સમજાય.
આપણે એક એવા સમાજ માં રહીએ છીએ કે જ્યાં મોટાભાગે એક એવી માનસિકતા પ્રવર્તે છે કે જેમાં વ્યક્તિ ના વેશ પહેરવેશ તેની ભાષા કે સામાજિક કે આર્થિક સ્થિતિ પર થી તેમની ક્ષમતા પારખવા નો પ્રયત્ન કરતા હોઈએ છીએ.મને લાગે એ એક ખોટી પધ્ધતિ છે. કારણ કે ક્યારેય કોઈ વ્યક્તિ ની ક્ષમતા તેમના વેશ પહેરવેશ, ભાષા, કે તેની વર્તમાન સ્થિતિ પરથી ન આંકી શકાય.ઈતિહાસ માં ડોકિયું કરી તો તેના પ્રસિદ્ધ ઉદાહરણ મળે છે જેમકે પ્રાચીન સમય ના મહાન ઋષિ અષ્ટાવક્ર કે જેમના શરીરના આઠ અંગો વાંકા ચૂકા હતા બધા તેના શરીર પર હાસ્ય કરતા પણ જ્યારે તે મોટા મોટા પંડિતો વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરવા બેસતા તો બધા ની બોલતી બંધ કરી દેતા અને પોતાનામાં રહેલા જ્ઞાન ના પ્રકાશ થી બધાને અંજાવી દેતા.અને તેમની વિદ્વત્તા જોઈ પછી સૌ તેને પ્રણામ કરતા.
મારા અનુભવ ની વાત કરું તો ગત્ રવિવારે સવારે લગભગ સાડા સાત વાગ્યે હું ઘર ની બહાર ઉંભો હતો. રજા નો દિવસ હતો એટલે રસ્તે નોકરિયાત, ધંધાર્થીઓ, અને વિધાર્થી કોઈ દેખાતા ન હતા. સોસાયટી નો રસ્તો ખાલી જ હતો એવા માં અચાનક એક ત્રણ પૈડાં વાળી સાયકલ પર સવાર એક વ્યક્તિ આવ્યો મારા થી થોડે દૂર એક ઝાડ નીચે ઊભો રહ્યો. કપડાં મેલા છે, ઉપર ના બે બટન હાજર નથી, મોટા વાળ અને દાઢી વધી ગયેલ છે માં તૂટેલા સિલ્પર પહેરેલાં છે. અત્યંત ગરીબ અને મજૂર હોય એવું લાગ્યું. પછી એણે લાલ કલર નું નાનું માઈક કાઢી એમાં બોલ્યો
ચાલો….પેપર …. પસ્તી….ભંગાર વાલે……..બે ત્રણ વાર બોલ્યા.
હમણાં કોઈ પેપર પસ્તી લય ને આવશે એવી આશા એ ઉભો હતો. પણ કોઈ આવ્યું નહીં એટલે હું તેની પાસે ગયો અને કહ્યું ભાઈ એક વાત કહું ખોટું ન લાગે તો….
એ ભાઈ બોલ્યો: સાહેબ મને ખોટું લાગે એવું આપ બોલશો નહીં એનો મને વિશ્વાસ છે.. માટે બિન્દાસ બોલો બોલો….
મેં કહ્યું ભાઈ તમે ખૂબ સરસ કામ કરો છો… મહેનત પણ સારી કરો છો… ઘરે ઘર નો વધારા નો કચરો પસ્તી ભંગાર ઉધરાવી તેનું યોગ્ય વળતર આપી તમે એકંદરે સ્વચ્છતા માટે ખૂબ કાર્ય કરો છો. શું કરીએ સાહેબ ભણ્યા નહીં એટલે આવી મજુરી કરી ઘર ચલાવીએ છીએ એમ તે ભાઈએ મને કહ્યું. મેં કહ્યું ભાઈ મને એવું લાગે છે તમે વહેલા આવી ગયા થોડા મોડા આવતા તો તમને પસ્તી આપવા વાળા મળી રહેતા આજે તો રવિવાર એટલે રજા નો દિવસ અઠવાડિયા નો થાક ઉતારવા માટે આજ મોટા ભાગના લોકો થોડા મોડા ઉઠતા હોય છે. માટે થોડાં મોડા આવો તો તમારું કામ થઈ જાય.
તમારી વાત તો સાચી છે સાહેબ એમાં શું છે કે અમારા જીવનમાં થાક તાપ તડકો બધું ગાયબ છે એટલે આવું અમે ન વિચારી અને જો અમે એના ભરોસે રહીએ તો અમારા ઘરની તાવડી ટેકો લઇ જાય. અમારે તો સુરજ ઉગે એટલે સંઘર્ષ ચાલુ અને સુરજ આથમે ત્યારે આરામ. પણ તમારી વાત પણ ખોટી નથી. હું એ બાબત પર વિચાર કરીશ. પણ એક વાત કહું સાહેબ તમને ખોટું ન લાગે તો એમ કહી એ ભાઈએ મને પ્રશ્ન કર્યો. મેં કહ્યું અરે…આતો મારો સવાલ જ મને પાછો આપ્યો એમ કહી અમે હસ્યા.
પછી એ ત્રણ પૈડાં વાળી સાયકલ પર સવાર મહેનત કરનાર શ્રમજીવી માણસે જે મને કહ્યું એ સાંભળીને હું ચક થઈ ગયો એ વાત મેં હ્દય ના એક ખૂણે બાંધી લીધી. એ ભાઈ બોલ્યો સાહેબ સાચું કહું તો ઘર નો કચરો હોય કે મનનો એ આપણી માટે નડતર રૂપ છે. તેનો જો યોગ્ય સમયે નિકાલ કરવો જરૂરી છે અને એની માટે વહેંલા જાગી જવું જરુરી છે.એ પછી ઉંધ માંથી જાગવા નું હોય કે જીવનમાંથી પણ જો વહેલાં ન જાગ્યા તો કચરો વધારે જમા થતો જશે અને ખોટી જગ્યા રોકશે અને જેનાથી અન્ય સારી વસ્તુ ને જગ્યા નય મળે. વહેલા ઊઠીને જો વધારો ના કચરા પસ્તી ને યોગ્ય નિકાલ ન કર્યો તો પછી આખો દિવસ અન્ય કામ માં પસાર થઈ જશે અને એ કચરો ત્યાં નો ત્યાંજ પડ્યો રહેશે. એવુ જ આપણ મન અને જીવન નું છે આપણા મન માં રહેલ દુર્ગુણ રુપી કચરો જો સમયે નિકાલ ન કર્યો તો એ વધતો જશે અને સારા વિચારો ને સ્થાન નહીં મળે.
આ સાંભળી મને થયું કે આટલી મોટી વાત કેટલા સુંદર ઉદાહરણ સાથે આ શ્રમિકે જણાવી. ત્યારે મને અનુભવ થયો કે કોઈ ના દેખાવ થી તેમની ક્ષમતા ન પારખી શકાય તેની માટે તેની સાથે થોડો સમય વિતાવવો પડે મેં કહ્યું ભાઈ..જીવનના ગુઢ રહસ્ય ને ઉજાગર કરનારી આ વાત તમે ક્યાં થી જાણી તો કહે છે સાહેબ અમને કોણ સમજાવે અમારે તો કેવું છે કે ઠોકર પગ માં વાગ્યે અને સમજણ મન માં એટલે એવું કહી શકાય કે જીવનમાં વાગેલી ઠોકરો એ આ બધું જ્ઞાન કરાવ્યું છે એ સમયે આકાશ તરફ મીટ માંડી મેં એટલું જ કહ્યું કે હે ઈશ્વર તારી ગતિ ન્યારી છે અને હા આ વાત અનુભવી ત્યારે મને કબીર સાહેબ યાદ આવ્યાં એ આ જ તો વાત કરે છે કે:
જાતિ ન પૂછો સાધુ કી , પૂછ લિજીએ જ્ઞાન
મોલ કરો તલવાર કા, પડા રહને દો મ્યાન.
