વટવામાં મોબાઇલ અને પર્સ ચોરી કર્યાની શંકા રાખીને ચાર શખ્સોએ યુવકને દંડાથી ફટકારી હત્યાનો પ્રયાસ કર્યો

વટવામાં ચાર શખ્સોએ ભેગા મળીને યુવક પર મોબાઇલ અને પર્સ ચોરી કર્યાની શંકા રાખીને દંડાથી માર મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમજ અગાઉ મોબાઇલ ચોર્યો હોવાથી તેની પર શંકા ગઇ હતી. આ અંગે યુવકના પિતાએ ચારેય શખ્સો સામે વટવા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ચાંગોદરમાં રહેતા નિતીનકુમાર વાઘેલા નિવૃત જીવન ગુજારે છે. જેમાં તેમની બીજી પત્નીનો 22 વર્ષીય પુત્ર ઉમંગ રખડતુ ભટકતુ જીવન જીવતો હતો. ગત 21 જૂને નિતીનકુમારને જાણ થઇ હતી કે તેમનો પુત્ર ઉમંગ હોસ્પિટલમાં દાખલ છે. જેથી તપાસ કરતા ઉમંગના વટવામાં રહેતો મિત્ર ચિરાગ ખત્રીએ જણાવ્યુ કે ગત 19 જૂને તે ઘરે એકલો હતો અને સૂઇ ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે ઉછીને જોયુ તો તેના ઘરે મોબાઇલ ફોન ગુમ હતો. જેથી ચિરાગે તેના મિત્ર યુવરાજ ગોરખાને મોબાઇલ ગુમ અંગે કહેતા તેને કહ્યુ કે ઉમંગ તારા ઘર તરફ આવ્યો હતો. જેથી ચિરાગ અને યુવરાજ બંને બાઇક લઇને ઉમંગને શોધવા નીકળ્યા હતા. જેથી ઉમંગ રિક્ષામાં જતો દેખાતા રિક્ષા ઉભી રખાવીને ઉમંગને પકડ્યો હતો. અને તેને મોબાઇલ અંગે પૂછતા સરખો જવાબ આપતો ન હતો. જેથી બંનેએ તેને માર માર્યો હતો. જે બાદ અનુરાગ સોલંકીને બોલાવીને ઉમંગને એક્ટિવા પર બેસાડીને શીતલ સૌરભ સ્કુલ સામે આવેલ મેટ્રોના પીલ્લર પાસે લઇ જઇને માર માર્યો હતો. જે બાદ અજય કોષ્ટી નામના શખ્સને બોલાવ્યો હતો.

બાદમાં ચારેય શખ્સોએ ભેગા મળીને ઉમંગને દંડાથી ફટકારતા તેને કહ્યુ કે મોબાઇલ રિક્ષામાં મૂકેલ હતો. જે બાદ તપાસ કરીને રિક્ષાવાળા પાસેથી મોબાઇલ લીધો હતો. તેમજ એક અઠવાડિયા પહેલા અનુરાગના ભાઇનો ફોન અને છ મહિના પહેલા ચિરાગનું પર્સ ચોરા.ુ હોવાથી તેમને ઉમંગ પર શંકા હોવાથી તેને દંડાથી માર મારતા તે બેભાન થઇને પડ્યો હતો. પરંતુ આરોપીઓના પરિવારજનો આવી જતા ઉમંગને છોડાવ્યો હતો. ત્યારબાદ તેને સારવારઅર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ અંગે ઉમંગના પિતાએ ચારેય શખ્સો સામે વટવા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવી છે.

Social