ગાંધીનગરમાં નિવૃત ડેપ્યુટી મામલતદારનાં ગળામાંથી સોનાની ચેઇન કાઢી રફુચક્કર
ગાંધીનગરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી કીમતી સામાન ચોરી લેતી ગેંગનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. રિક્ષામાં પેસેન્જરનાં સ્વાંગમાં બેઠેલા ઈસમો નિવૃત ડેપ્યુટી મામલતદારનાં ગળામાંથી સોનાની ચેઇન કાઢી રફુચક્કર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. 64 હજારનો સોનાનો દોરો સેરવી લેતાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. સેકટર – 2/ડી સ્વામિનારાયણ મંદિરની સામે પ્લોટ નંબર – 1717/2 માં પરિવાર સાથે રહેતા 69 વર્ષીય નિવૃત ડેપ્યુટી મામલતદાર અશ્વિનભાઈ ચિમનલાલ ભાવસાર ગઈકાલે બપોરના સમયે અમદાવાદ સુરક્ષા બ્રિજ મિત્રને મળવા માટે ઘરેથી નિકળ્યા હતા.બાદમાં તેઓ ઘ – 1 આવીને ઉભા હતા. એ વખતે અશ્વિનભાઈ સુભાષબ્રિજ જવા માટે એક શટલ રિક્ષા આવતાં તેમાં બેસી ગયા હતા. ત્યારે રિક્ષામાં પાછળની સીટમાં અગાઉથી બે ઈસમો બેઠેલા હતા.
અને આગળ ડ્રાયવરની સાથે અન્ય એક ઈસમ પણ બેસેલ હતો. જે અશ્વિનભાઈનાં બેઠા પછી પાછલી સીટમાં જઈને બેસી ગયો હતો. અને ડ્રાઇવરે રીક્ષા હંકારી મુકી હતી.ત્યારે કુડાસણ બસ સ્ટેન્ડ આવતાં જ ડ્રાઇવરે રીક્ષા રોકી દીધી હતી. અને પાછળ બેઠેલ પેસેન્જરને ઉતારી આવવાનું કહી અશ્વિનભાઈને નીચે ઉતારી દીધા હતા અને ડ્રાઈવર સહિત ચાર જણાંની ગેંગ રિક્ષામાં રફુચક્કર થઈ ગઈ હતી. આ દરમ્યાન અશ્વિનભાઈએ માલુમ પડયું હતું કે, બે તોલાની સોનાની ચેઇન સેરવી લઈ રીક્ષા ગેંગ ફરાર થઈ ગઈ છે. જેનાં પગલે તેમણે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
