ભગવાન જગન્નાથજીને 108 કળશ જળનો મહાજલાભિષેક કરાયો

ભગવાન જગન્નાથજીની સાંસ્કૃતિક પૌરાણિક તેમજ ઐતિહાસિક 147મી રથયાત્રા અષાઢ સુદ બીજ વિ. સ. 2080 તારીખ 7 જૂલાઈ 2024ને રવિવારના રોજ નીકળશે. આ રથયાત્રા મહોત્સવ પૂર્વેનો અતિ મહત્વપૂર્ણ જળયાત્રા મહોત્સવ વિ. સ. 2080 જેઠ સુદ પૂનમ તારીખ 22 જૂન 2024 શનિવારના રોજ ઉજવ્યો હતો.

પ્રસંગે શ્રી જગન્નાથજી મંદિરથી શોભાયાત્રા સાબરમતી નદીનાં સોમનાથ ભૂદરનાં આરે ગંગા પૂજન કરવા નીકળી હતી. પૂજન બાદ નદીએથી 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવી ભગવાન શ્રી જગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ કરી મહાજલાભિષેક કરવામાં આવ્યો હતો. તે પછી શ્રી ગણેશજીના સ્વરૂપમાં ભગવાનશ્રી જગન્નાથજીના અતિ વિશિષ્ટ-ગજવેશ શણગારના દર્શન થયા હતા. આ દિવ્ય પ્રસંગે લોકોએ દર્શનનો લાભ લીધો હતો. જળયાત્રા મહોત્સવ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી તથા ગુરુ રામેશ્વરદાસજી મહારાજની ઉપસ્થિતમાં મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ રાજ્યકક્ષા મંત્રી પ્રદીપસિંહ જાડેજા, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ, અમદાવાદ શહેર મેયર પ્રતિભાબેન જૈન, ખાડિયા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર પંકજ ભટ્ટ, પૂર્વ મહામંત્રી ખાડિયા જમાલપુર વોર્ડના ભૂષણ ભટ્ટ તથા મહાનુભવો તથા સાધુ સંતો આ જળ યાત્રામાં જોડાયા હતા.મહાનુભાવોએ ભગવાન શ્રી બળદેવજી, સુભદ્રાજી તથા ભગવાન શ્રી જગન્નાથજીનો જલાભિષેક કરીને દર્શનનો લાભ લીધો હતો. તેમજ આ પ્રસંગે ગજરાજોને સુંદર વસ્ત્રો દ્વારા શણગારવામાં આવ્યા હતા. સાધુ સંતોએ પણ આ જળયાત્રામાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે રથયાત્રામાં ‌કરતબ કરતા અખાડીયનો એક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ જળયાત્રામાં આગામી તા 7 જૂલાઈએ રથયાત્રામાં સેવા આપતા ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. તેમજ પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટાફે પણ પોતાની ફરજ અદા કરી હતી.

Social