અસલાલીમાં રિક્ષાચાલક સહિત ત્રણ શખ્સોએ યુવકને તલવાર અને છરી બતાવી લૂંટી લીધો
અસલાલીમાં રિક્ષાચાલકે યુવકને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડ્યો હતો. જેમાં અગાઉથી બે શખ્સો બેઠા હતા. ત્યારબાદ રિક્ષા અવાવરૂ જગ્યાએ લઇ જઇને ત્રણેય શખ્સોએ યુવકને તલવાર અને છરી બતાવી મોબાઇલ અને રોકડ રૂપિયા લૂંટીને ફરાર થઇ ગયા હતા. જ્યારે યુવક રિક્ષામાંથી કૂદીને ભાગવા ગયો પરંતુ પડી ગયો હતો. આ અંગે યુવકે ત્રણેય શખ્સો સામે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
અસલાલીમાં રહેતા નરેન્દ્રભાઇ ગોસાઇ ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 24 જૂને રાત્રીના સમયે તેઓ ટ્રાન્સપોર્ટની ઓફિસ હતા ત્યારે મદ્રાસ ખાતેથી નારિયેળ ભરેલ ગાડી આવી હતી. તેને માધુપુરા લઇ જવાની હોવાથી તેઓ ડ્રાઇવર સાથે ત્યાં ગયા હતા. જે બાદ નરેન્દ્રભાઇ રિક્ષામાં બેસીને નારોલ સર્કલ પાસે આવ્યા હતા. અને રિક્ષાની રાહ જોતા હતા તે સમયે એક રિક્ષાચાલક ત્યાં આવ્યો હતો. જેથી નરેન્દ્રભાઇ રિક્ષામાં બેઠા હતા. અને તે રિક્ષામાં અગાઉથી બે પેસેન્જર બેસેલ હતા. ત્યારબાદ રિક્ષાચાલક અસલાલી સર્કલથી કમોડ તરફ રિક્ષા લઇ જતા નરેન્દ્રભાઇએ કહ્યુ કે મારે જેતલપુર ઉતરવાનું છે કહેતા રિક્ષાચાલકે આગળ થોડુ કામ છે પતાવીને તમને જેતલપુર લઇ જઇએ તેમ જણાવ્યુ હતુ. ત્યારબાદ રિક્ષાચાલકે અવાવરૂ જગ્યાએ રિક્ષા ઉભી રાખીને ત્રણેય શખ્સોએ તલવાર અને છરી બતાવીને મોબાઇલ અને રોકડ રૂ. 1100 લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ અંગે નરેન્દ્રભાઇએ ત્રણેય શખ્સો સામે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
