વાડજમાં ‘તું દાદા થઈ ગયો છે’ કહીં 8 શખસોએ યુવકને ઢોર માર માર્યો

શહેરના વાડજ વિસ્તારમાં રહેતા યુવકને તું દાદા થઈ ગયો છે અને તને રામાપીરના ટેકરા પર આવવાની ના પાડી છે તેમ કહીં આઠ જેટલા શખસોએ ગડદાપાટુનો માર માર્યો હતો. જેના કારણે તેને ઈજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં યુવકે સિક્યુરિટી ગાર્ડ સહિત આઠ લોકો સામે મારામારીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા ખાતે કૃષ્ણનગરની ચાલીમાં હિતેશ ઉર્ફે કાલુ ચાવડા તેના પરિવાર સાથે રહે છે. ઉસ્માનપુરા ખાતે આવેલી એક કંપનીમાં તે નોકરી કરે છે. અઠવાડિયા પહેલાં હિતેશ પૂર પીડિતનગર વિભાગ-2 પાસે ગયો હતો. ત્યારે જીગો વાલ્મિકી જે સન્ની સરદાર નામના સિક્યુરિટી ગાર્ડની નીચે નોકરી કરે છે તેણે કહ્યું હતું કે, તે સન્ની પાજીએ રામાપીરના ટેકરા ખાતે આવવાની ના પાડી છે છતાં પણ તું કેમ આવ્યો તેમ કહીં ઝઘડો કર્યો હતો.બીજા દિવસે જ્યારે રાત્રે હિતેશ એના ઘરની પાસે બેઠો હતો ત્યારે જીગો વાલ્મિકી, હસમુખ ચાવડા અને સન્ની સરદાર સહિતના આઠેક લોકો ત્યાં આવ્યા હતા અને માથામાં લોખંડની પાઈપ મારી હતી. ત્યાર બાદ તેને ઢસડીને લઇ ગયા હતા. તું અહીંનો દાદા થઈ ગયો છે તેમ કહીં માર માર્યો હતો. કૃષ્ણનગરની ચાલી પાસે લઇ જઈ તેને ગડદાપાટુ અને લાતોનો માર માર્યો તેમજ છરીનો એક ઘા માર્યો હતો.હિતેશને માર મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને લઇને આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા. હિતેશના પરિવારજનો અને આસપાસના લોકો આવી જતા તેને મારમાંથી છોડાવ્યો હતો અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે વાડજ પોલીસ દ્વારા પહેલાં ફરિયાદ નોંધવામાં આવી નહોતી. જોકે, ચાર દિવસ બાદ પોલીસે આમને સામને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Social