ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મૂશળધાર વરસાદ, સૌથી વધુ ટંકારામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો
ગુજરાતમાં મેઘની મહેર જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ગોંડલ અને ટંકારામાં ભારે વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ટંકારામાં વરસાદ પડ્યો હતો.ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.ટંકારામાં બુધવારે અનરાધાર વરસાદ વરસ્યો છે. ટંકારામાં એક દિવસમાં સાડા 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સાથે ટંકારામાં સિઝનનો અત્યાર સુધીમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોડીનારમાં સવા ત્રણ ઈંચ, ગોંડલમાં ત્રણ ઈંચ, જૂનાગઢ શહેરમાં ત્રણ ઈંચ, જૂનાગઢ તાલુકામાં ત્રણ ઈંચ, દાંતામાં સવા બે ઈંચ, રાજકોટના જેતપુરમાં બે ઈંચ, સુત્રાપાડામાં બે ઈંચ, કાલાવડમાં પોણા બે ઈંચ, મેંદરડામાં પોણા બે ઈંચ, વેરાવળમાં દોઢ ઈંચ, વાંકાનેરમાં દોઢ ઈંચ, ઈડરમાં સવા ઈંચ, ઉમરપાડામાં સવા ઈંચ, મોરવા હડફમાં સવા ઈંચ, માંગરોળમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ટંકારામાં બુધવારે બપોર પછી વરસાદ શરૂ થયો હતો અને વિવિધ તાલુકાઓમાં મહેર વરસાવ્યો હતો. આ દરમિયાન ટંકારામાં બપોર પછી ત્રણ કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો ભારે વરસાદ વરસતા ચોમેર પાણી ભરાઇ ગયા હતા.રાજ્યના હળવદ, ડભોઈ, છોટા ઉદેપુર, જામનગરના લાલપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. તાલાલા, માળીયા હાટીના, વંથલી, દિયોદર, કેશોદ, માણાવદર,જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા પોણો પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. માળીયા, પોશીના, જામજોધપુર, સાંતલપુર, રાજકોટ તાલુકા, કુકાવાવ, ઉમરગામ, નવસારી, ઓલપાડમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો.
