કચ્છના ભચાઉમાં નદીના ભારે વહેણમાં 15 ભેંસો તણાઇ, વીડિયો વાયરલ
ગુજરાતમાં ચોમાસાએ એકદમ જમાવટ કરી છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે, કચ્છમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે નદીઓ વહેવા લાગી હતી. આવી સ્થિતિ વચ્ચે ભચાઉના ખોળાસર ગામમાં નદીના ભારે પ્રવાહમાં 15 જેટલી ભેંસો તણાઈ હોવાનો વીડિયો વાયરલ થયો હતો.કચ્છના ભચાઉની ખોળાસરમાં નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ હોવાની ઘટના બની હતી.ગુરુવારે કચ્છના ભચાઉ તાલુકાના મોટાભાગના ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે આ વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં પાણીની આવક વધી હતી અને નદીઓ વહેવા લાગી હતી ત્યારે 15 ભેંસો તણાઇ હતી. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
નોંધનીય છે કે ભચાઉના ખોળાસર ગામમાં પસાર થતી નદીમાં પણ પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હતો. લાકડીયા અને ખોળાસર વચ્ચે આવેલી નદીના ભારે પ્રવાહમાં આશરે 15 જેટલી ભેંસો તણાઈ ગઈ હતી, વીડિયોમાં સાફ નજર આવે છે કે બે કાંઠા ઉપર ગામના લોકો ઊભા છે અને નદીમાં પાણીનો જોરદાર પ્રવાહ વહી રહ્યો છે. જેમાં એક પછી એક ભેંસો તણાતી દેખાઈ રહી છે. પાણીના ભારે પ્રવાહના કારણે લોકો મદદ કરી શક્યા નહોતા.ગઇકાલે રાજ્યના 114 તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો, ભારે વરસાદના લીધે અનેક જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.
