80 લાખની સોનાની માટી સાથે ઓઢવ પોલીસે ત્રણની ધરપકડ કરી 6 સામે ગુનો નોંધ્યો

શહેરના સોનીની ચાલ ચાર રસ્તા પાસે ગત ૨૫ જુનના રોજ રાત્રીના સમયે વાહન ચેકિંગ કરી રહેલી ટ્રાફિક પોલીસે દિલ્હી પાર્સીંગની ગાડીને જોતા જ તેને અટકાવીને તપાસ કરતા હતા. આ સમયે ગાડીની પાછળની સીટમાં એક લેધરની બેગ મળી આવી હતી. તેમાંથી રૂ.૮૦ લાખની કિમંતનો ૧૧૨૭.૭૫ ગ્રામ સોનાનો પાવડર મળી આવ્યો હતો. આ બાબતે ગાડીમાં સવાર ત્રણ શખ્સો પાસેથી કોઈપણ જાતના બીલ મળી આવ્યા ન હતા. જેથી આઈ ડીવીઝન ટ્રાફિક પોલીસે ઓઢવ પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો સામે ગુનો નોંધાતા પોલીસે શુભમ નવરતન, મોહમદ ફરાજ ગોપાલપુરિયા તથા ભુવનેશ્વરસિંહ સોઢાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આઈ ડીવીઝન ટ્રાફિક પોલીસે ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં ડી-સ્ટાફના પીએસઆઈ ડી.આઈ પટેલ અને તેમની ટીમે આરોપીઓની પુછપરછ શરુ કરી હતી. જેમાં ચોકાવનારી માહિતી સામે આવી કે ઝડપાયેલા ત્રણમાંથી ફરાજ નામના શખ્સને આંખની સારવાર માટે અમદાવાદ આવ્યા હતા. અને રાજસ્થાનમાં રહેતા ધર્મા નામના શખ્સે તેનું પાર્સલ લઈને આવવાનું કહ્યું હતું. ત્યારબાદ શુભમ નામના આરોપીના મોબાઈલમાં રાજેશ નામના વ્યક્તિનો ફોન આવ્યો અને ઇન્દિરાબ્રીજ પાસેથી એક અજાણ્યા વ્યક્તિએ લેધરની બેગ આપી તેમાં સોનાનો પાવડર હતો. આ સોનાનો પાવડર લઈને રાજસ્થાનમાં ધર્માને આપવાનો હતો. આ કામ કરવા માટે થઈને ધર્માએ રૂ. ૫૦ હજાર આપ્યા હતા. અને બીજા રૂપિયા આપવાનો વાયદો પણ કર્યો હતો. ત્રણેય આરોપીઓ રૂ. ૮૦ લાખની કિમંતનો સોનાનો પાવડર લઈને રાજસ્થાન જવા માટે નીકળી રહ્યા હતા. ત્યારે ગત ૨૫ જુનના રોજ રાત્રે સોનીની ચાલ પાસે ટ્રાફિક પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. ત્રણેય આરોપીઓ દિલ્હી પાર્સીંગની ગાડીમાં સવાર હતા. જેથી ટ્રાફિક પોલીસે રોક્યા અને તપાસ કરતા બેગમાં થી પીળા કલરની માટીનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે ટ્રાફિક પોલીસે પૂછપરછ કરી પરંતુ આરોપીઓ પાસે કોઈ આધાર પુરાવા ન હતા. જેથી ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધાવીને ઓઢવ પોલીસને સોંપી દીધા હતા. ત્યારે હાલ ઓઢવ પોલીસે કુલ 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

Social