કાંકરીયા ગેટ પાસેના ત્રણ રસ્તા પરથી 5.14 લાખના એમડી ડ્રગ્સ સાથે એક ઝડપાયો

મણીનગર કાંકરીયા ગેટ પાસેના ત્રણ રસ્તા પરથી રૂ.5.14 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિને એસઓજી ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ કરતા રતલામ ખાતે રહેતા યુવક પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવીને અમદાવાદમાં છુટકમાં વેચાણ કરવાનો હોવાનું જણાવ્યું હતુ.

   ઓસઓજી ક્રાઈમની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે સમયે બાતમી મળી હતી કે, મણીનગર કાંકરીયા ગેટ નંબર 1 ની સામે ત્રણ રસ્તાની બાજુમાં આવેલ એક દુકાનની બહારએક વ્યક્તિ એમડી ડ્રગ્સનો જથ્થો રાખી છુટકમાં વેચાણ કરવાનો છે. જેના આધારે એસઓજી ક્રાઈમની ટીમે તે જગ્યાએ વોચ ગોઠવી એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. તેની તપાસ કરતા તેની પાસેથી 51 ગ્રામ 400 મીલીગ્રામ એમડી ડ્રગ્સ જેની બજાર કિંમત રૂ.5.14 લાખ થાય છે તે મળી આવ્યુ હતુ. જેથી પોલીસે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન તેનુ નામ ફિરોઝ ઉર્ફે ભાઈમીયા મેવાતી (ઉ.વ.36, રહે.રતલામ) હોવાનું જણાવ્યું હતુ. સાથે જ રતલામ ખાતે રહેતા ભુરા મેવાણી નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવીને છુટકમાં વેચાણ કરવાનો હોવાનું પણ સામે આવ્યું હતુ. જેથી પોલીસે ભુરા મેવાતી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Social